rohit sharma shubman gill, રોહિત શર્મા અને શુભમન ગિલઃ શું ભારતને મળી ગઈ છે નવી તોફાની ઓપનિંગ જોડી? - rohit sharma and shubman gill new aggressive opening pair on indian cricket team

rohit sharma shubman gill, રોહિત શર્મા અને શુભમન ગિલઃ શું ભારતને મળી ગઈ છે નવી તોફાની ઓપનિંગ જોડી? – rohit sharma and shubman gill new aggressive opening pair on indian cricket team


ક્રિકેટમાં ઓપનિંગ જોડીનું ઘણું મહત્વનું રહ્યું છે. જ્યારે વન-ડે ક્રિકેટની વાત આવે ત્યારે તેનું મહત્વ ઓર વધી જાય છે. 90ના દાયકામાં વર્લ્ડ ક્રિકેટમાં સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની ઓપનિંગ જોડીએ તરખાટ મચાવ્યો હતો. બાદમાં સચિન-સહેવાગની જોડીનો દબદબો જોવા મળ્યો હતો. ત્યારપછી શિખર ધવન અને રોહિત શર્માની જોડી આવી. જ્યારે હાલમાં સચિન-સહેવાગની જોડી જેવો જાદૂ રોહિત અને શુભમન ગિલની જોડી કરી રહી છે. છેલ્લી બે સિરીઝ પર નજર કરીએ તો રોહિત અને શુભમનની જોડી હરીફ ટીમના બોલર્સ માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. મંગળવારે હોલ્કર સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં આ જોડીએ તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી. જોકે, પોતાની સદી પૂરી કર્યા બાદ આ જોડી વધારે સમય ટકી શકી ન હતી.

પરંતુ તેમણે સાબિત કરી દીધું છે કે તેઓ વર્તમાન સમયમાં વન-ડે ક્રિકેટની સૌથી મજબૂત જોડી બની રહી છે. હવે જ્યારે આ વર્ષના અંતમાં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે તેવામાં રોહિત અને શુભમનની ઓપનિંગ જોડી મજબૂત બને તેવી ક્રિકેટપ્રેમીઓ અપેક્ષા રાખી રહ્યા છે. મંગળવારે ન્યૂઝીલેન્ડ સામે રોહિત અને ગિલે 212 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પહેલા ગુવાહાટીમાં 143 અને ત્રિવેન્દ્રમમાં 95 રનની ભાગીદારી નોંધાવી હતી.

2023માં અત્યાર સુધીમાં આ ઘાતક જોડીએ છ વન-ડેમાં 615 રનની ભાગીદારી નોંધાવી છે. વન-ડે ક્રિકેટમાં રોહિત અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ ઘણા વર્ષો સુધી રાજ કર્યું હતું. જોકે, રોહિત શર્મા વધુને વધુ મજબૂત બનતો ગયો અને ગિલ પ્રત્યેક વન-ડેમાં ખતરનાક બનતો રહ્યો છે. મંગળવારે ન્યૂઝીલેન્ડ સામે રોહિતે સદી ફટકારી હતી જે વન-ડેમાં તેની 30મી સદી હતી. આ સાથે તેણે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના 30 વન-ડે સદીના રેકોર્ડની બરાબરી કરી હતી. આ ઉપરાંત રોહિત શર્માએ વન-ડેમાં 272 સિક્સર ફટકારીને શ્રીલંકાના દિગ્ગજ સનથ જયસૂર્યાના 270 સિક્સરના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. હવે આ યાદીમાં રોહિત શર્માથી આગળ ક્રિસ ગેઈલ છે જેણે 331 સિક્સર ફટકારી છે. જ્યારે ટોપ પર શાહિદ આફ્રિદી છે જેના નામે 351 સિક્સર છે.

શુભમન ગિલ હવે વન-ડે ટીમમાં પોતાનું સ્થાન પાક્કુ બનાવી રહ્યો છે. તેણે છેલ્લી ચાર મેચમાં ત્રણ સદી ફટકારી છે. વન-ડેમાં તે સૌથી નાની વયે બેવડી સદી ફટકારનારો બેટર બન્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની સિરીઝમાં તેણે 360 રન ફટકાર્યા હતા. આ સાથે જ તેણે બાબર આઝમના રેકોર્ડની બરાબરી કરી હતી અને તેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. આમ આગામી વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા ભારતીય ક્રિકેટ પ્રેમીઓ એ જ આશા રાખશે કે રોહિત અને ગિલની જોડી આવી ધમાકેદાર બેટિંગ કરતી રહે અને ભારતને આઈસીસી ટ્રોફી જીતાડે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *