પરંતુ તેમણે સાબિત કરી દીધું છે કે તેઓ વર્તમાન સમયમાં વન-ડે ક્રિકેટની સૌથી મજબૂત જોડી બની રહી છે. હવે જ્યારે આ વર્ષના અંતમાં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે તેવામાં રોહિત અને શુભમનની ઓપનિંગ જોડી મજબૂત બને તેવી ક્રિકેટપ્રેમીઓ અપેક્ષા રાખી રહ્યા છે. મંગળવારે ન્યૂઝીલેન્ડ સામે રોહિત અને ગિલે 212 રનની ભાગીદારી નોંધાવી હતી. આ પહેલા ગુવાહાટીમાં 143 અને ત્રિવેન્દ્રમમાં 95 રનની ભાગીદારી નોંધાવી હતી.
2023માં અત્યાર સુધીમાં આ ઘાતક જોડીએ છ વન-ડેમાં 615 રનની ભાગીદારી નોંધાવી છે. વન-ડે ક્રિકેટમાં રોહિત અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ ઘણા વર્ષો સુધી રાજ કર્યું હતું. જોકે, રોહિત શર્મા વધુને વધુ મજબૂત બનતો ગયો અને ગિલ પ્રત્યેક વન-ડેમાં ખતરનાક બનતો રહ્યો છે. મંગળવારે ન્યૂઝીલેન્ડ સામે રોહિતે સદી ફટકારી હતી જે વન-ડેમાં તેની 30મી સદી હતી. આ સાથે તેણે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના 30 વન-ડે સદીના રેકોર્ડની બરાબરી કરી હતી. આ ઉપરાંત રોહિત શર્માએ વન-ડેમાં 272 સિક્સર ફટકારીને શ્રીલંકાના દિગ્ગજ સનથ જયસૂર્યાના 270 સિક્સરના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. હવે આ યાદીમાં રોહિત શર્માથી આગળ ક્રિસ ગેઈલ છે જેણે 331 સિક્સર ફટકારી છે. જ્યારે ટોપ પર શાહિદ આફ્રિદી છે જેના નામે 351 સિક્સર છે.
શુભમન ગિલ હવે વન-ડે ટીમમાં પોતાનું સ્થાન પાક્કુ બનાવી રહ્યો છે. તેણે છેલ્લી ચાર મેચમાં ત્રણ સદી ફટકારી છે. વન-ડેમાં તે સૌથી નાની વયે બેવડી સદી ફટકારનારો બેટર બન્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની સિરીઝમાં તેણે 360 રન ફટકાર્યા હતા. આ સાથે જ તેણે બાબર આઝમના રેકોર્ડની બરાબરી કરી હતી અને તેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. આમ આગામી વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખતા ભારતીય ક્રિકેટ પ્રેમીઓ એ જ આશા રાખશે કે રોહિત અને ગિલની જોડી આવી ધમાકેદાર બેટિંગ કરતી રહે અને ભારતને આઈસીસી ટ્રોફી જીતાડે.