યુવરાજ સિંહે ગુરુવારે એક્સ (અગાઉ ટ્વિટર) પર વર્તમાન ભારતીય ટીમની દબાણને હેન્ડલ કરવાની અને ઘરના પ્રેક્ષકો સામે પ્રદર્શન કરવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા, જે તેની ટીમે 12 વર્ષ પહેલાં કર્યું હતું. તેણે લખ્યું હતું કે, આપણે બધા ICC વર્લ્ડ કપ 23માં 2011નું પુનરાવર્તન કરવા માંગીએ છીએ, પરંતુ 2011માં ભારતે દબાણમાં સારું પ્રદર્શન કર્યું હતું. ટીમ પર 2023માં ફરીથી આવું જ પ્રદર્શન કરવાનું દબાણ છે. શું આપણી પાસે આ બદલવા માટે પૂરતો સમય છે? શું આપણે આ દબાણનો ઉપયોગ ‘ગેમ ચેન્જર’ તરીકે કરી શકીએ? નોંધનીય છે કે 2011માં ભારતે વર્લ્ડ કપ જીત્યો ત્યારે યુવરાજ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો.
યુવરાજના આ પ્રશ્નોનો જવાબ તેને તેના ભૂતપૂર્વ સાથી અને ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ તરફથી મળ્યો હતો. વિસ્ફોટક બેટ્સમેન અને 2007 (T20) અને 2011 (વન-ડે)માં ભારતની છેલ્લી બે વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રહેલા સેહવાગે જણાવ્યું હતું કે રોહિત, વિરાટ કોહલી, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓ દબાણમાં નહીં આવે. તેના બદલે તેઓ હરીફ ટીમને દબાણમાં રાખશે. તેણે લખ્યું હતું કે, જો હું દબાણની વાત કરું તો આ વખતે આપણે દબાણ નહીં લઈશું, આપીશું! ચેમ્પિયન્સની જેમ! (જ્યારે દબાણ આવશે, ત્યારે આપણે તેને સ્વીકારીશું નહીં, પરંતુ આપણે તે હરીફ ટીમને આપીશું). સેહવાગે યુવરાજને ટેગ કરીને જવાબ આપ્યો હતો.
સેહવાગે યુવરાજને એ પણ યાદ અપાવ્યું કે છેલ્લા ત્રણ વનડે વર્લ્ડ કપના યજમાન દેશ ચેમ્પિયન બન્યા છે. 2011માં વર્લ્ડ કપ ભારતમાં યોજાયો હતો અને ભારત ચેમ્પિયન બન્યું હતું. તેવી જ રીતે 2015માં ઓસ્ટ્રેલિયા અને 2019માં ઈંગ્લેન્ડ જીત્યા હતા. તેણે લખ્યું હતું કે, છેલ્લા 12 વર્ષમાં યજમાન ટીમે વર્લ્ડ કપ જીત્યો છે! (યજમાન ટીમે છેલ્લા 12 વર્ષમાં તમામ વન-ડે વર્લ્ડ કપ જીત્યા છે). 2011માં આપણે ઘરઆંગણે જીત્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 2015માં ઓસ્ટ્રેલિયામાં જીત મેળવી હતી. 2019 ઈંગ્લેન્ડ જીત્યું હતું. 2023 આપણે તોફાન બનાવીશું.