રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને યજમાન કોલકાતાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. કોલકાતાના બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. વેંકટેશ ઐય્યરના 57 રનની મદદથી કોલકાતાએ 20 ઓવરમાં આઠ વિકેટે 149 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જોકે, યશસ્વી જયસ્વાની વિસ્ફોટક બેટિંગે આ સ્કોરને એકદમ આસાન બનાવી દીધો હતો. રાજસ્થાને 13.1 ઓવરમાં જ એક વિકેટે 151 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. જયસ્વાલે 47 બોલમાં 98 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે ચહલે ચાર વિકેટ પોતાના નામે કરી હતી.
યશસ્વી જયસ્વાલની વિસ્ફોટક બેટિંગ, કેપ્ટન સેમસનનું પણ આક્રમણ
રાજસ્થાન રોયલ્સ સામે 150 રનનો લક્ષ્યાંક હતો. ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સંજૂ સેમસનની તોફાની બેટિંગે આ સ્કોરને એકદમ આસાન બનાવી દીધો હતો. જોકે, ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને જોસ બટલર ખાતું ખોલાવ્યા વગર જ રન આઉટ થયો હતો. બટલર આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 1.4 ઓવરમાં 30 રનનો રહ્યો હતો. બાદમાં જયસ્વાલ અને સેમસને કોલકાતાના હોમગ્રાઉન્ડમાં જ તેના બોલર્સને ચોમેર ધોયા હતા. આ જોડીએ 121 રનની અતૂટ ભાગીદારી નોંધાવીને આસાનીથી મેચ જીતી લીધી હતી. જયસ્વાલે 47 બોલમાં અણનમ 98 રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં તેણે 13 ચોગ્ગા અને પાંચ સિક્સર ફટકારી હતી. જ્યારે કેપ્ટન સંજૂ સેમસને 29 બોલમાં બે ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી 48 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી.
યુઝવેન્દ્ર ચહલનો તરખાટ, કોલકાતા નાઈટ રાઈડર્સના બેટર્સ ફ્લોપ
રાજસ્થાને કોલકાતાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ યજમાન ટીમના બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમ માટે વેંકટેશ ઐય્યરે સૌથી વધુ 42 બોલમાં 57 રન નોંધાવ્યા હતા જેમાં તેણે બે ચોગ્ગા અને ચાર સિક્સર ફટકારી હતી. આ સિવાય કોઈ બેટર ચહલની ઘાતક સ્પિન બોલિંગનો સામનો કરી શક્યો ન હતો. ઓપનર જેસન રોય 10 અને ગુરબાઝ 18 રન નોંધાવીને આઉટ થયા હતા. જ્યારે કેપ્ટન નિતિશ રાણાએ 22 રન ફટકાર્યા હતા. આન્દ્રે રસેલ 10 અને રિંકુ સિંહ 16 રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. રાજસ્થાન માટે ચહલે ચાર ઓવરમાં 25 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટને બે તથા સંદીપ શર્મા અને કેએમ આસિફને એક-એક સફળતા મળી હતી.