યશસ્વી જયસ્વાલે ઘણો સંઘર્ષ કર્યો છે
યશસ્વી જયસ્વાલનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. બહુ ઓછા લોકો જાણે છે કે મુશ્કેલ સમયમાં યશસ્વી જયસ્વાલ પોતાના ખર્ચાને પહોંચી વળવા માટે મુંબઈના આઝાદ મેદાનમાં પાણીપૂરી વેચતો હતો. આ વિશે વાત કરતાં તેણે એક વખત કહ્યું હતું કે મને તે ગમતું નહોતું કારણ કે હું જેની સાથે ક્રિકેટ રમતો હતો, જે છોકરાઓ સવારે મારા વખાણ કરતા હતા, તેઓ સાંજે મારી પાસે પાણીપૂરી ખવા માટે આવતા હતા. યશસ્વીના કહેવા પ્રમાણે તેને આ કરવાનું ખૂબ જ ખરાબ લાગ્યું પરંતુ તેણે આ કરવું પડ્યું કારણ કે ત્યારે તેને રૂપિયાની જરૂર હતી.
ક્રિકેટ માટે ભદોહીથી મુંબઈ આવ્યો છે
યશસ્વી જયસ્વાલ માત્ર 11 વર્ષનો હતો જ્યારે તે ઉત્તર પ્રદેશના એક નાનકડા જિલ્લા ભદોહીથી મુંબઈ ગયો હતો. પરંતુ ત્યાં તેના માટે રહેવાની કોઈ જગ્યા ન હતી. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે હું માત્ર એ વિચારીને આવ્યો હતો કે મારે માત્ર ક્રિકેટ રમવું છે અને તે પણ ફક્ત મુંબઈથી. યશસ્વીએ કહ્યું હતું કે જ્યારે તમે ટેન્ટમાં રહો છો ત્યારે તમારી પાસે વીજળી, પાણી, બાથરૂમ જેવી સુવિધાઓ પણ હોતી નથી.
એક દિવસ જ્યારે યશસ્વી રમી રહ્યો હતો ત્યારે જ્વાલા સિંહ નામના કોચે તેને બેટિંગ કરતા જોયો. નાના છોકરાની પ્રતિભાથી પ્રભાવિત થઈને તેમણે યશસ્વી જયસ્વાલને મફતમાં તાલીમ આપવાનું નક્કી કર્યું હતું. તેમણે યશસ્વીને તેના ઘરે રહેવાની ઓફર પણ કરી અને તેની સંપૂર્ણ જવાબદારી લીધી હતી. ત્યારપછી બેટ્સમેને પાછું વળીને જોયું નથી. તે 2020 અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન નોંધાવનારો ખેલાડી હતો અને તેણે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો. તેણે વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ માટે બેવડી સદી પણ નોંધાવી છે.