હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના અપડેટ્સ
ભારત જોકે બેવડા પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઈંગ્લેન્ડમાં ઉપયોગમાં લેવાનારા ડ્યૂક દડા સાથે તાલમેલ બેસાડવા માટે ભારતીય ટીમે કામ કર્યું છે. અક્ષરે કહ્યું કે, ‘અમે તે અંગે આઈપીએલ શરૂ થઈ તે પહેલેથી જ જાણતા હતા, એટલે આઈપીએલ દરમિયા પણ ચર્ચા થતી હતી કે, અમે લાલ દડાથી બોલિંગ કરીશું.’ તેણે કહ્યું કે, ‘અમારી પાસે લાલ દડા હતા એટલે તેનો ઉપયોગ કરી રહ્યા હતા. તમે જાણો છો કે, ક્યારે અને કેવું રમવાનું છે, તમારી પાસે કેટલો સમય છે. સફેદ દડાથી લાલ દડા તરફ માનસિક રીતે બદલાવું સ્પષ્ટ રીતે મુશ્કેલ છે, પરંતુ અમારી પાસે પૂરતો સમય છે.’
જોકે, અક્ષરે કહ્યું કે દડાની ચિંતાને બદલે મહત્વનું એ છે કે, યોગ્ય લાઈન અને લેન્થથી બોલિંગ કરવા પર ધ્યાન આપવામાં આવે. તેણે જણાવ્યું કે, ‘અમે સફેદ દડાથી લાલ દડામાં બદલાવ કરી રહ્યા છીએ. તે એસજીથી ડ્યૂક દડામાં પરિવર્તન કરવા જેવું જ છે. તમારે તમારી પ્રતિભા અને કૌશલ્યનો ઉપયોગ કરવો પડશે. તમારે તમારી યોજનાને લાગુ કરવાની હોય છે અને બોલિંગ લય મેળવવાની હોય છે. દડો ભલે ગમે તે હોય, જો તમે યોગ્ય લાઈન અને લેન્થની સાથે બોલિંગ કરો છો તો તે કામ કરે છે.’
તેણે કહ્યું કે, ‘અમે એ જ કરી રહ્યા છીએ. મેચ ઈંગ્લેન્ડમાં છે, જ્યાં સ્થિતિ ભારત કરતા અલગ છે, તો અમે યોજના બનાવી રહ્યા છીએ કે અહીં કઈ લાઈન અને લેન્થ કામ કરશે.’ ભારતીય ખેલાડીઓનો પહેલું ગ્રુપ ગત સપ્તાહની શરૂઆતમાં લંડન પહોંચ્યું હતું, જેમાં વિરાટ કોહલી અને અક્ષર જેવા ખેલાડી સામેલ હતા. ટીમ ફાઈનલની તૈયારી કરી રહી છે, જે 7થી 11 જૂન સુધી ઓવલમાં રમાવાની છે. અક્ષરે કહ્યું કે, ‘જે લોકો (આઈપીએલ પ્લે ઓફ માટે) ક્વોલિફાઈ નહોંતી કરી શક્યા, તેમને વધુ સમય મળ્યો. એટલે મને નથી લાગતું કે, કોઈ સમસ્યા થશે, કેમકે અમારી પાસે તૈયારી માટે પૂરતો સમય છે.’
અક્ષરે જણાવ્યું કે, ‘ફરક એ છે કે, ડ્યૂક બોલ વધુ સમય સુધી ચમકદાર રહે છે, પરંતુ આઈપીએલ દરમિયાન અમે દડો મંગાવ્યો હતો, એટલે અમે તેની સાથે પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને તેની આદત થઈ ગઈ હતી.’ ભારતીય ટીમને સખત ગરમીમાં આઈપીએલ રમ્યા પછી ઈંગ્લેન્ડની અપેક્ષાકૃત ઠંડી પરિસ્થિતિઓમાં જલદીથી તાલમેલ બેસાડવો પડશે. અક્ષરે કહ્યું કે, ‘અમે આઈપીએલ રમીને આવ્યા હતા, જ્યાં ભારતમાં તાપમાન 40-50 ડિગ્રી હતું. તે પછી અહીં ઘણું સારું લાગી રહ્યું છે. અમે અમારા ઠંડીના કપડાં કાઢી નાખ્યા છે અને જંપર્સ પહેરીને ફરી રહ્યા છીએ. થોડી હવા પણ ચાલી રહી છે. અમે જ્યારે પણ બ્રિટન આવીએ છીએ તો અમે મૌસમનો આનંદ લઈએ છીએ. અહીં થોડી ઠંડી રહે છે, ગરમી નથી થતી.’
ભારતની સ્પિન અનુકૂળ પિચોથી અલગ ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓ સ્વિંગ બોલિંગને વધુ અનુકૂળ છે. અક્ષરે કહ્યું કે, ‘સ્પષ્ટ છે કે, ભારત અને ઈંગ્લેન્ડની સ્થિતિઓ અલગ છે. ફાસ્ટ બોલર્સની અહીં વધારે ભૂમિકા છે. ભારતમાં સ્પિનર વધુ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.’ તેણે કહ્યું કે, ‘બંને ટીમો માટે પરિસ્થિતિઓ સરખી છે. ઈંગ્લેન્ડમાં હવા સ્વિંગ બોલિંગને મદદ કરે છે અને જો તમે યોગ્ય જગ્યાએ બોલિંગ કરો છો, તો સારો બાઉન્સ મળે છે.’