અંતિમ ઓવરમાં ભારતને 16 રનની જરૂર હતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સેમિફાઈનલ અંતિમ ઓવર સુધી રોમાંચક બની રહી હતી. અંતિમ ઓવર એશ્લે ગાર્ડનરે કરી હતી અને તેની ઓવરમાં ભારત ફક્ત 10 રન નોંધાવી શક્યું હતું. આ ઓવરમાં તેણે એક વિકેટ પણ ઝડપી હતી અને ફક્ત એક જ બાઉન્ડ્રી આપી હતી. તેની અદ્દભુત ઓવરની મદદથી જ ઓસ્ટ્રેલિયા વિજય નોંધાવવામાં સફળ રહ્યું હતું.
હરમનપ્રીતનું રન આઉટ થવું ભારે પડ્યું, ભારતે હાથમાં આવેલી બાજી ગુમાવી
ઓસ્ટ્રેલિયાએ આપેલા 173 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર શેફાલી વર્મા 9, સ્ટાર બેટર સ્મૃતિ મંધાના બે તથા યાસ્તિકા ભાટિયા ચાર રન નોંધાવીને આઉટ થયા હતા. આમ ટોચની ત્રણ બેટર બે આંકડાનો સ્કોર પણ નોંધાવી શકી ન હતી. જોકે, જેમિમા રોડ્રીગ્સ અને કેપ્ટન હરમનપ્રીત કૌરની જોડીએ બાજી સંભાળી હતી. આ જોડીએ 69 રનની ભાગીદારી નોંધાવી હતી. જેમિમા 24 બોલમાં છ ચોગ્ગાની મદદથી 43 રન નોંધાવીને આઉટ થઈ હતી.
બીજી તરફ હરમનપ્રીતે અડધી સદી ફટકારી હતી. જોકે, મહત્વના સમયે તે રન આઉટ થઈ જતાં ભારતની જીતની આશા ધૂંધળી બની ગઈ હતી. હરમનપ્રીતને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાએ કમબેક કર્યું હતું. હરમનપ્રીતે 34 બોલમાં છ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 52 રન ફટકાર્યા હતા. રિચા ઘોષે 14 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે સ્નેહા રાણા 11 રન નોંધાવીને પેવેલિયન ભેગી થઈ હતી. દીપ્તિ શરમા 20 રને અણનમ રહી હતી. ઓસ્ટ્રેલિયા માટે અશ્લે ગાર્ડનર અને ડાર્સી બ્રાઉને બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે મેગન શ્યુટ અને જેસ જોનાસને એક-એક વિકેટ પોતાના નામે કરી હતી.
મૂની અને કેપ્ટન લેનિંગની ધમાકેદાર બેટિંગથી ઓસ્ટ્રેલિયાનો મજબૂત સ્કોર
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની શરૂઆત દમદાર રહી હતી. એલિસે હિલી અને બેથ મૂનીની ઓપનિંગ જોડીએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. તેમણે પ્રથમ વિકેટ માટે 52 રનની ભાગીદારી નોંધાવી હતી. હિલીએ 25 રન નોંધાવ્યા હતા. જ્યારે મૂનીએ આક્રમક અંદાજમાં બેટિંગ કરતા 37 બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 54 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત કેપ્ટન મેગ લેનિંગે 34 બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સર સાથે અણનમ 49 રન ફટકાર્યા હતા. જ્યારે એશ ગાર્ડનરે પણ 31 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે શિખા પાંડેએ બે તથા દીપ્તિ શર્મા અને રાધા યાદવે એક-એક વિકેટ ઝડપી હતી.