એક સમય હતો જ્યારે મોટા ભાગના ક્રિકેટ પંડિતો કહી રહ્યા હતા કે કોહલી સચિનના 49 વન-ડે સદીના રેકોર્ડને તોડી નાંખશે. હવે આ વાત ફક્ત સમયની રહી ગઈ છે કેમ કે કોહલી સચિનના 49 વન-ડે સદીના રેકોર્ડને તોડવાથી ફક્ત ત્રણ સદી દૂર છે. તેથી હવે સચિન અને વિરાટની તુલના ફરીથી શરૂ થઈ ગઈ છે. કોહલીએ અત્યાર સુધી વન-ડેમાં 46 સદી સાથે કુલ 74 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. અમારા સહયોગી ટાઈમ્સઓફઈન્ડિયા.કોમ દ્વારા સચિન અને વિરાટના આંકડાની તુલના કરી છે. જોકે, તે વાત તો જગજાહેર છે કે કોહલી સચિનને પોતાનો આદર્શ માને છે.
સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની વન-ડે સદી
આ બાબતમાં વિરાટ કોહલી સચિનથી આગળ છે. 10 વન-ડે સદી ફટકારવામાં સચિને 131 ઈનિંગ્સ રમી હતી જ્યારે કોહલીએ તેના માટે ફક્ત 80 ઈનિંગ્સ રમી હતી. કોહલીએ સચિન કરતાં ઓછી ઈનિંગ્સમાં પોતાની સદી ફટકારી છે. કોહલીએ 259મી ઈનિંગ્સમાં પોતાની 46મી સદી ફટકારી છે. જ્યારે સચિને 46 વન-ડે સદી ફટકારવા માટે 431 ઈનિંગ્સ રમી હતી. 20 સદી માટે સચિને 197 અને કોહલીએ 133 ઈનિંગ્સ રમી હતી. જ્યારે 30 સદી માટે સચિને 267 અને કોહલીએ 186 તથા 40 સદી માટે સચિને 355 અને કોહલીએ 216 ઈનિંગ્સ રમી હતી.
સચિન વિ. વિરાટઃ વિજય અપાવવામાં સૌથી વધુ સદી
વિરાટ કોહલીએ અત્યાર સુધી 259 વન-ડે ઈનિંગ્સ રમી છે. જેમાંથી 157 વિજયમાં તે ભારતીય ટીમનો ભાગ રહ્યો છે અને તેમાં તેણે 38 સદી ફટકારી છે. હવે તેની તુલનામાં સચિને 452 વન-ડે ઈનિંગ્સ રમી હતી. જેમાંથી 231 ઈનિંગ્સ એવી છે જેમાં ભારતનો વિજય થયો હતો. વિજયમાં સચિને 33 સદી ફટકારી હતી. આમ આ બાબતમાં તે સચિન કરતાં પાંચ સદી આગળ છે.
વન-ડેમાં સફળ ચેઝમાં સચિન વિ. વિરાટ
વિરાટ કોહલીએ ટાર્ગેટ પાર પાડતી વખતે કરેલી લાજવાબ બેટિંગના કારણે ‘ચેઝ માસ્ટર’નું બિરૂદ મેળવી લીધું છે. ખાસ કરીને વન-ડેમાં કોહલી ટાર્ગેટ ચેઝ કરવામાં માસ્ટર છે. પોતાની અત્યાર સુધીની કારકિર્દીમાં સચિને સફળ રન ચેઝમાં 124 ઈનિંગ્સ રમી છે. હાલમાં 89 ઈનિંગ્સ સાથે કોહલી બીજા ક્રમે છે. જ્યારે સફળ રન ચેઝમાં સૌથી વધુ સદીની વાત આવે તો સચિનની 14 સદી થાય છે જ્યારે કોહલીની 22 સદી છે. આ ઉપરાંત અડધી સદીને સદીમાં બદલવામાં પણ કોહલી આગળ છે. આ મમલે સચિની ટકાવારી 33.79 છે જ્યારે કોહલીની ટકાવારી 41.82 થાય છે.