નવીન ઉલ હકે તકરાર વિશે આપી પ્રતિક્રિયા
નવીન-ઉલ-હકે પહેલીવાર વિરાટ કોહલી સાથેના વિવાદ પર ખુલીને વાત કરી છે. તેણે એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે આ બધું મેચ દરમિયાન અને પછી બોલવું જોઈતું ન હતું. મેં લડાઈ શરૂ કરી નથી. મેચ બાદ જ્યારે અમે હાથ મિલાવતા હતા ત્યારે વિરાટ કોહલીએ લડાઈ શરૂ કરી હતી. જ્યારે તમે અમને બંનેને થયેલા દંડ જોશો, ત્યારે તમે સમજી શકશો કે લડાઈ કોણે શરૂ કરી હતી.
હું બોલિંગ કરતી વખતે સ્લેજ કરું છું
નવીને કહ્યું હતું કે હું બોલર છું અને ક્યારેક બેટ્સમેનોને બોલિંગ કરતી વખતે સ્લેજ પણ કરું છું. તેણે આગળ કહ્યું હતું કે, હું માત્ર એક વાત કહેવા માંગુ છું કે હું સામાન્ય રીતે કોઈને સ્લેજ કરતો નથી અને જો હું આવું કરું તો પણ જ્યારે હું બોલિંગ કરીશ ત્યારે જ બેટ્સમેનોને કહીશ કારણ કે હું બોલર છું. મેં તે મેચમાં એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. મેં કોઈની સાથે સ્લેજ કર્યું નહતું. ખેલાડીઓ, જેઓ ત્યાં હતા, તેઓ જાણે છે કે મેં પરિસ્થિતિને કેવી રીતે સંભાળી હતી.
વિરાટે તેનો હાથ જોરથી પકડ્યો
નવીન-ઉલ-હકે જણાવ્યું કે કોહલીએ તેનો હાથ જોરથી પકડ્યો હતો. તેથી જ તેણે મેચ બાદ આવી પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે, હું બેટિંગ કરતી વખતે અથવા મેચ પછી ક્યારેય ગુસ્સો કર્યો નથી. દરેક વ્યક્તિ જોઈ શકે છે કે મેં મેચ પછી શું કર્યું. હું ફક્ત હાથ મિલાવી રહ્યો હતો અને પછી તેણે મારો હાથ બળપૂર્વક પકડી લીધો હતો, અને હું પણ માણસ છું અને મેં પ્રતિક્રિયા આપી હતી.