ઝિમ્બાબ્વે વિરુદ્ધ મળેલા પરાજયમાંથી પાકિસ્તાની ટીમ હજી સુધી બહાર આવી શકી નથી. હાલમાં તેના સ્ટાર ખેલાડીઓ પોતાની જાતને રિલેક્સ રાખવાનો પ્રાયસ કરી રહ્યા છે. પાકિસ્તાની ટીમના સ્ટાર ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી અને હેરિસ રૌફની મુલાકાત વિરાટ કોહલી સાથે થઈ હતી. તેમના વચ્ચે આ મુલાકાત પર્થમાં થઈ હોવાનું કહેવાય છે. વિરાટ કોહલી સાથેની તેની મુલાકાતની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ભારતે સળંગ બે મેચમાં બે વિજય નોંધાવ્યા છે અને હવે 30 ઓક્ટોબર રવિવારે તેનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પર્થમાં મેચ રમાવાની છે. તેવામાં ભારતીય ખેલાડી પણ પર્થમાં છે. જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાનના ખેલાડીઓ કોઈ ટુર્નામેન્ટ દરમિયાન એકબીજાને મળ્યા હોય. અગાઉ વોર્મ અપ મેચ દરમિયાન પણ ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ એકબીજાને મળ્યા હતા. એશિયા કપમાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આઈસીસી ટુર્નામેન્ટ્સમાં જ આમને-સામને થાય છે ભારત અને પાકિસ્તાન
ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકિય સંબંધો તણાવ ભરેલા છે અને તેના કારણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સીરિઝ રમાઈ રહી નથી. જોકે, બંને વચ્ચે દ્વિપક્ષીય સીરિઝ રમાય તેવા પ્રયાસો થયા છે પરંતુ રાજકિય કારણોસર તે શક્ય બનતા નથી. તેવામાં બંને ટીમો આઈસીસી ટી20 વર્લ્ડ કપ, વન-ડે વર્લ્ડ કપ, એશિયા કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ટુર્નામેન્ટમાં જ આમને સામને થાય છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપ બાદ એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. બીસીસીઆઈ એ એશિયા કપ માટે ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી છે. જ્યારે 2023નો વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે. તેવામાં બંને દેશના બોર્ડ વચ્ચે તકરાર થઈ શકે છે.