હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
વિરાટે અનુષ્કા શર્માને કર્યો ફોન
સદી ફટકાર્યા પછી વિરાટ કોહલીની ખુશીનો પાર નહોતો અને આ ખુશી તે પત્ની સાથે વહેંચવા માગતો હતો. વિરાટ અને અનુષ્કાની જોડી પોપ્યુલર તો છે જ સાથે તેઓ સારા-નરસા દરેક સમયમાં એકબીજાનો મજબૂત સપોર્ટ બનીને ઊભા રહે છે. વિરાટ ખરાબ ફોર્મમાં હતો ત્યારે અનુષ્કા તેની પડખે રહી હતી. હવે જ્યારે તે ખૂબ સારું રમી રહ્યો છે ત્યારે તે પોતાની નાના-નાની સિદ્ધિને પણ પત્ની અનુષ્કા અને દીકરી વામિકાને સમર્પિત કરે છે.
અનુષ્કાએ પણ કર્યા પતિના વખાણ

આ તરફ અનુષ્કા પણ વિરાટના વખાણ કરી તેનો જુસ્સો વધારવામાં પીછેહટ નથી કરતી. વિરાટે સદી ફટકારતાં અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરીને પતિને ‘વિસ્ફોટક’ ગણાવ્યો હતો. તસવીરો શેર કરતાં અનુષ્કાએ લખ્યું, “તે બોમ્બ (બોમ્બનું ઈમોટિકન) છે. શાનદાર ઈનિંગ.”
ડુ-પ્લેસીસ અને વિરાટની પાર્ટનરશીપ
મેચની વાત કરીએ તો, વિરાટ કોહલી અને ડુ-પ્લેસીસએ 172 રનની શાનદાર ભાગીદારી કરીને સનરાઈઝર્સ હૈદરાબાદ પાસેથી જીત આંચકી લીધી હતી. આ જીત પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મહત્વના એવા બે પોઈન્ટ્સ મળ્યા હતા. વિરાટ કોહલીએ ચાર વર્ષ પછી આઈપીએલની મેચમાં સદી ફટકારી છે. આઈપીએલ 2023માં વિરાટે પહેલી સદી ફટકારી છે. આ સાથે જ તેણે RCBના પૂર્વ ખેલાડી ક્રિસ ગેઈલની સરખામણી કરી છે. IPLના ઈતિહાસમાં ગેઈલે સૌથી વધુ છ સદી ફટકારી છે અને હવે આ રેકોર્ડ વિરાટના નામે નોંધાયો છે. 2019 પછી પહેલીવાર વિરાટ કોહલીએ સદી ફટકારી છે.
સારા ફોર્મમાં છે વિરાટ
RCBનો ઓપનર ખેલાડી વિરાટ કોહલી સારા ફોર્મમાં છે પરંતુ ધીમી શરૂઆતના કારણે તેની ટીકા થતી હતી. જોકે, ગુરુવારે રમાયેલી મેચમાં તેણે 62 બોલમાં જ સદી ફટકારીને ટીકાખોરોના મોં બંધ કરાવ્યા હતા. આમ તો વિરાટ કોહલી ખૂબ સારા ફોર્મમાં છે પરંતુ મિડલ ઓવર્સમાં તેનો સ્ટ્રાઈક રેટ હજી પણ પરીક્ષણનો વિષય છે. વિરાટે 18મી ઓવરમાં 62 બોલે સદી ફટકારી હતી. જોકે, સદી ફટકાર્યા પછી તરત જ વિરાટ આઉટ થઈ ગયો હતો. 18મી ઓવરમાં ભુવનેશ્વર કુમારે વિરાટની વિકેટ લીધી હતી.