ભારતના સૌથી સફળ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ધોનીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું અને વિરાટ કોહલીને કેપ્ટનસી મળી ગઈ હતી. ત્યારબાદ તે ટી20 અને વન-ડેમાં કેપ્ટનસી કરતો હતો અને કોહલી વાઈસ કેપ્ટન હતો. 2007માં કેપ્ટનસી સંભાળ્યા બાદ ધોનીએ જાન્યુઆરી 2017માં કોહલીને સુકાન સોંપ્યું તે પહેલા લગભગ એક દાયકા સુધી વ્હાઈટ-બોલ ક્રિકેટમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. ધોનીએ ડિસેમ્બર 2014માં ટેસ્ટ ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો હતો અને 2015થી કોહલી ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો.
મર્યાદિત ઓવર્સના ક્રિકેટમાં ધોની ભારતનો સૌથી સફળ સુકાની છે. વર્લ્ડ ક્રિકેટમાં તે એકમાત્ર એવો કેપ્ટન છે જેણે ટી20 વર્લ્ડ કપ, વન-ડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. જોકે, ભૂતપૂર્વ ભારતીય ફિલ્ડિંગ કોચ આર.શ્રીધરે ખુલાસો કર્યો છે કે કોહલી 2016માં વ્હાઈટ બોલ ક્રિકેટમાં કેપ્ટન બનવા ઈચ્છતો હતો. શ્રીધરે કહ્યું છે કે રવિ શાસ્ત્રીએ આ મામલે કોહલી સાથે ખાસ વાતચીત કરી હતી અને તેણે કોહલીને ધોનીનું સન્માન કરવાનું કહ્યું હતું.
શ્રીધરે લખ્યું છે કે, 2016માં વિરાટ કોહલી વ્હાઈટ બોલ ક્રિકેટમાં કેપ્ટન બનવા માટે આતુર હતો. તેણે કેટલીક એવી વાતો કરી હતી જેનાથી ખ્યાલ આવે છે કે તે કેપ્ટનસી ઈચ્છે છે. રવિ શાસ્ત્રીએ તેને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, જો વિરાટ, ધોનીએ તને ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનસી આપી હતી. તારે તેનું સન્માન કરવું જોઈએ. તે મર્યાદિત ઓવર્સના ક્રિકેટમાં પણ તક આપશે. જો તું તેનું સન્માન નહીં કરે તો આવતીકાલે જ્યારે તું કેપ્ટન હોઈશ તો તમારી ટીમ તને સન્માન નહીં આપે. કેપ્ટનસી તારી પાસે આવશે, તારે તેની પાછળ ભાગવાની જરૂર નથી.