યુએઈમાં રમાયેલા એશિયા કપ પહેલા વિરાટ રેન્કિંગમાં 35મા સ્થાને હતો. તેણે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ફિફ્ડી ફટકારી હતી. છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનની સામે વિરાટે સદી ફટકારી હતી. એશિયા કપ પછી તે રેન્કિંગમાં 15મા સ્થાને પહોંચી ગયો હતો. હવે, ટી-20 વર્લ્ડ કપની પહેલી મેચમાં ધમાકેદાર ઈનિંગ્સ રમી તે 9મા સ્થાને પહોંચી ગયો છે.
રિઝવાન હજુ પણ ટોપ પર
પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન (849 રેટિંગ પોઈન્ટ્સ) ટોચના સ્થાને છે. જ્યારે ન્યૂઝીલેન્ડનો ઓપનિંગ બેટ્સમે ડેવોન કોનવે (831 પોઈન્ટ્સ) ત્રણ સ્ટેપ આગળ વધી સૂર્યકુમાર યાદવના સ્થાને બીજા નંબરે પહોંચી ગયો છે. કોન્વેએ ઓસ્ટ્રેલિયા સામે 58 દડા પર અણનમ 92 રનની ઈનિંગ્સ રમી હતી, જેનાથી ન્યૂઝીલેન્ડે વર્તમાન ચેમ્પિયનને 89 રને હરાવ્યું હતું. રિઝવાન ભારતની સામે 12 દડામાં માત્ર 4 રન બનાવી શક્યો હતો.
સૂર્યકુમાર યાદવને પડ્યો ફટકો
પાકિસ્તાન સામે સૂર્યાએ સારી શરૂઆત કરી હતી, પરંતુ મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. સૂર્યકુમાર 828 રેટિંગ પોઈન્ટ છે અને તે બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને આવી ગયો. તે પછી પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝામ (799) અને દક્ષિણ આફ્રિકાનો એડન માર્કરામ (762)નો નંબર આવે છે. ભારત સામેની મેચમાં બાબર આઝમનું ખાતું પણ ખૂલ્યું ન હતું. તે પહેલા જ દડે અર્શદીપ સિંહનો શિકાર બન્યો હતો.