શાનદાર સદી ફટકારવા ઉપરાંત કોહલીએ વિજય શંકરને આઉટ કરવા માટે એક અદ્દભુત કેચ પણ ઝડપ્યો હતો. જોકે, આ દરમિયાન તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી. મેદાન પર ફિઝિયો દ્વારા તેને તપાસવામાં આવ્યો હતો અને અંતે તેણે મેદાન છોડવાનો નિર્ણય લીધો હતો. છેલ્લી પાંચ ઓવરમાં તે ડગઆઉટમાં બેઠો હતો. મેચ બાદ કોચ સંજય બાંગરે જણાવ્યું હતું કે, કોહલીના ઘૂંટણમાં ઈજા થઈ છે. પરંતુ મને નથી લાગતું કે તેની ઈજા વધારે ગંભીર છે.
કોહલી શાદનાર ફોર્મમાં છે અને તેણે હૈદરાબાદ અને ગુજરાત સામે સળંગ બે મેચમાં બે સદી ફટકારી હતી. બાંગરે જણાવ્યું હતું કે, કોહલીએ ચાર દિવસની અંદર ઉપરા-ઉપરી બે સદી ફટકારી હતી. કોહલી ફક્ત બેટ વડે જ નહીં પરંતુ ફિલ્ડિંગમાં પણ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા ઈચ્છે છે. બે દિવસ પહેલા તે ચાર ઓવર સુધી અને ગુજરાત સામે 35 ઓવર તે મેદાનમાં ફિલ્ડિંગમાં રહ્યો હતો. તેના કારણે તેના શરીર પર વધારાનો લોડ આવ્યો હશે પરંતુ તેની ઈજા વધારે ગંભીર અને ચિંતાજનક નથી.
કોહલી સહિત સાત ખેલાડીઓ મંગળવારે ઈંગ્લેન્ડ જવા રવાના થશે. ત્યાં તેઓ 7 જૂનથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટેની તૈયારીઓ કરશે. ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા કે જે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે તે પણ ટીમ સાથે જોડાશે. ભારતીય ટીમ સળંગ બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચ્યું છે. આ પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ સિઝનમાં ટીમ ફાઈનલમાં પહોંચી હતી જ્યાં તેને ન્યૂઝીલેન્ડ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.