વિરાટ કોહલીએ 2019માં બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટમાં સદી ફટકારી હતી જે ટેસ્ટમાં તેની અંતિમ સદી છે. ત્યારબાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક પણ સદી ફટકારી શક્યો ન હતો. અંતે એશિયા કપ ટી20માં તેણે અફઘાનિસ્તાન સામે સદી ફટકારીને પોતાના સદીના દુષ્કાળનો અંત આણ્યો હતો. ટી20માં આ તેની પ્રથમ સદી હતી. ત્યારબાદ બાંગ્લાદેશ સામે અંતિમ વન-ડેમાં તેણે સદી ફટકારી હતી. જોકે, ટેસ્ટમાં કોહલી 2019 બાદ એક પણ સદી ફટકારી શક્યો નથી. પરંતુ તેનું વર્તમાન ફોર્મ જોતાં તેની પાસેથી સદીની આશા રાખવામાં આવી રહી છે.
કોહલી બાંગ્લાદેશ વિરુદ્ધ બે ટેસ્ટ મેચની સીરિઝમાં સદી ફટકારશે તો તે ટેસ્ટમાં તેની 28મી સદી હશે. ત્યારબાદ તે વધુ એક વખત ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ઈંગ્લેન્ડના જો રૂટને ટક્કર આપી શકશે. કોહલી પાસે આ સીરિઝમાં કોચ રાહુલ દ્રવિડના રેકોર્ડને પણ તોડવાની તક રહેલી છે. તે માટે કોહલીને બે ટેસ્ટની સીરિઝમાં 169 રન નોંધાવવાની જરૂર છે. જો તે આટલા રન નોંધાવી લેશે તો ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે સૌથી વધુ રન નોંધાવવામાં સચિન તેંડુલકર બાદ બીજા ક્રમે આવી જશે જ્યાં હાલમાં રાહુલ દ્રવિડ છે. સચિને બાંગ્લાદેશ વિરુદ્ધ સાત ટેસ્ટની નવ ઈનિંગ્સમાં 136ની સરેરાશ સાથે 820 રન નોંધાવ્યા છે જેમાં એક બેવડી સદી સહિત પાંચ સદી સામેલ છે.
72મી સદી નોંધાવીને રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડી નાંખ્યો
વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે રમાયેલી ત્રણ વન-ડે મેચની સીરિઝની અંતિમ મેચમાં 113 રનની ઈનિંગ્સ રમી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીની આ 72મી સદી હતી. આ સાથે જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી નોંધાવવાના ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાનીએ 71 સદી ફટકારી હતી. હવે સચિન તેંડુલકર બાદ બીજા ક્રમે છે. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારી છે.