T20 World Cup: ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ફિન એલન અને વિકેટકીપર બેટર ડેવોન કોનવેની તોફાની બેટિંગની મદદથી ન્યૂઝીલેન્ડે જંગી સ્કોર ખડક્યો હતો. આ જોડીએ 4.1 ઓવરમાં 56 રનની ભાગીદારી નોંધાવી હતી. જેમાં એલનનું યોગદાન 42 રનનું હતું. તેણે 16 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 42 રન ફટકાર્યા હતા
હાઈલાઈટ્સ:
- ટી20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચમાં જ ઓસ્ટ્રેલિયાનો પરાજય, ન્યૂઝીલેન્ડે 89 રને હરાવ્યું
- ડેવોન કોનવે અને ફિન એલનની ઝંઝાવાતી બેટિંગ, કોનવેના અણનમ 92 રન, એલનના 42 રન
- મિચેલ સેન્ટનર અને ટિમ સાઉધીની ત્રણ-ત્રણ વિકેટ, ટ્રેન્ટ બોલ્ટને મળી બે સફળતા
કોનવે અને ફિન એલનની તોફાની બેટિંગ, કિવિનો જંગી સ્કોર
ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ફિન એલન અને વિકેટકીપર બેટર ડેવોન કોનવેની તોફાની બેટિંગની મદદથી ન્યૂઝીલેન્ડે જંગી સ્કોર ખડક્યો હતો. આ જોડીએ 4.1 ઓવરમાં 56 રનની ભાગીદારી નોંધાવી હતી. જેમાં એલનનું યોગદાન 42 રનનું હતું. તેણે 16 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 42 રન ફટકાર્યા હતા. જોકે, બાદમાં કોનવેએ તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી અને રન ગતિને ઝડપી બનાવી હતી. તેણે 58 બોલમાં સાત ચોગ્ગા અને બે સિક્સર સાથે 92 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. સુકાની કેન વિલિયમ્સને 23, ગ્લેન ફિલિપ્સે 12 અને નીશામે અણનમ 26 રનનું યોગદાન આપ્યું હતું. જોશ હેઝલવૂડે બે તથા ઝામ્પાએ એક વિકેટ ખેરવી હતી.
સાઉધી અને સેન્ટરની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયા ઘૂંટણીયે
201 રનના જંગી લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી અને બાદમાં ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. મિચેલ સેન્ટનર અને ટિમ સાઉધીની જોડીની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયન બેટર્સ ટકી શક્યા ન હતા. ડેવિડ વોર્નર અને એરોન ફિંચની જોડી ઓપનિંગમાં આવી હતી પરંતુ તે ટીમને અપેક્ષા પ્રમાણે શરૂઆત અપાવી શકી ન હતી. વોર્નર પાંચ અને ફિંચ 13 રન નોંધાવીને આઉટ થયા હતા. જ્યારે મિચેલ માર્શ 16 રન નોંધાવીને આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલે પ્રયાસ કર્યો હતો પરંતુ તે મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. મેક્સવેલે ટીમ માટે સૌથી વધુ 28 રન નોંધાવ્યા હતા. જ્યારે પેટ કમિન્સે 21 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ માટે ટિમ સાઉધી અને મિચેલ સેન્ટનરે ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી જ્યારે ટ્રેન્ટ બોલ્ટે બે અને લોકી ફર્ગ્યુસન અને ઈશ સોઢીએ એક-એક વિકેટ પોતાના નામે કરી હતી.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ