મેચમાં સૂર્યકુમાર યાદવે નોંધાવેલા રેકોર્ડ્સ
આ મેચમાં અણનમ 103 રન નોંધાવીને સૂર્યકુમાર યાદવે કેટલાક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતા. તે ગુજરાત ટાઈટન્સ સામે સદી ફટકારનારો પ્રથમ બેટર બની ગયો છે. અગાઉ ગુજરાત સામે ચેન્નઈ સુપર કિંગ્સના ઋતુરાજ ગાયકવાડે વર્તમાન સિઝનમાં 92 રનની ઈનિંગ્સ રમી હતી. મુંબઈ ઈન્ડિયન્સ માટે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર નોંધાવવાના મામલે સૂર્યકુમાર યાદવ ત્રીજા ક્રમે આવી ગયો છે. સનથ જયસૂર્યાએ 2008માં અણનમ 114 અને રોહિત શર્માએ 2012માં 109 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત મુંબઈ ગુજરાત ટાઈટન્સ સામે સર્વોચ્ચ સ્કોર નોંધાવનારી ટીમ બની ગઈ છે. અગાઉ વર્તમાન સિઝનમાં જ સફળતાપૂર્વક રનચેઝ કરતાં કોલકાતા નાઈટ રાઈડર્સે સાત વિકેટે 207 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
રાશિદ ખાન અને ડેવિડ મિલરની આક્રમક બેટિંગે રાખી ગુજરાતની લાજ
ગુજરાત સામે 219 રનનો લક્ષ્યાંક હતો પરંતુ બોલિંગ બાદ બેટિંગમાં પણ ગુજરાત ટાઈટન્સે તેના ચાહકોને નિરાશ કર્યા હતા. રિદ્ધિમાન સહા અને શુભમન ગિલની ઈનફોર્મ ઓપનિંગ જોડી સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. ટોચના ત્રણ બેટર બે આંકડાનો સ્કોર પણ કરી શક્યા ન હતા. સહા બે અને શુભમન ગિલ છ રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા પણ ચાર રન નોંધાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. જ્યારે વિજય શંકર 29 અને અભિનવ મુકુંદ બે રન નોંધાવીને આઉટ થયા હતા. 55 રનના સ્કોર પર અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી.
ગુજરાત માટે ડેવિડ મિલર અને રાશિદ ખાને તોફાની બેટિંગ કરીની ટીમને જીતાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના પ્રયાસો એળે ગયા હતા. જોકે, તેમની આ બેટિંગના કારણે ગુજરાત ટાઈટન્સની ટીમ શરમજનક પરાજયમાંથી બચી શકી હતી. જ્યારે રાશિદ ખાને પણ અંતિમ ઓવર્સમાં આક્રમક બેટિંગ કરી હતી. મિલરે 26 બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 41 રન ફટકાર્યા હતા. જ્યારે રાશિદ ખાને 32 બોલમાં અણનમ 79 રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં ત્રણ ચોગ્ગા અને 10 સિક્સર સામેલ હતી. મુંબઈ માટે આકાશ માધવાલે ત્રણ તથા પિયુષ ચાવલા અને કુમાર કાર્તિકેયે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે જેસન બેહરેન્ડોર્ફને એક સફળતા મળી હતી.
સૂર્યકુમાર યાદવની ઝંઝાવાતી સદી, મુંબઈનો જંગી સ્કોર
ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ઈશાન કિશન અને કેપ્ટન રોહિત શર્માની જોડીએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. આ જોડીએ 6 ઓવરમાં 61 રનની ભાગીદારી નોંધાવી હતી. ઈશાન કિશને 20 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 31 રન ફટકાર્યા હતા. જ્યારે રોહિત શર્માએ 18 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 29 રનની ઈનિંગ્સ રમી હતી.
જોકે, મુંબઈની બેટિંગનું મુખ્ય આકર્ષણ સૂર્યકુમાર યાદવની બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવે આઈપીએલમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. તેણે ગુજરાતના બોલર્સની મન મૂકીને ધોલાઈ કરી હતી. ગુજરાત ટાઈટન્સ સામે સદી ફટકારનારો સૂર્યકુમાર યાદવ પ્રથમ બેટર બન્યો છે. સૂર્યકુમાર યાદવે 49 બોલમાં 11 ચોગ્ગા અને છ સિક્સરની મદદથી 103 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. તેણે ઈનિંગ્સના અંતિમ બોલ પર સિક્સર ફટકારીને સદી પૂરી કરી હતી. વિષ્ણુ વિનોદે 30 અને નેહલ વાઢેરાએ 15 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત માટે રાશિદ ખાને ચાર તથા મોહિત શર્માએ એક વિકેટ ઝડપી હતી.