ટી-20માં તોફાની બેટિંગ કરનારો સૂર્યકુમાર યાદવ સતત બીજી વન-ડેમાં એક જ રીતે આઉટ થયો અને બંને વખતે સ્ટાર્કે ખાતું ખોલવા દીધું ન હતું. સ્ટાર્કે બંને વખત પહેલા દડે તેને એલબીડબલ્યુ આઉટ કર્યો.
મિસ્ટર 360ના નામથી જાણીતો સૂર્યકુમાર યાદવ ભલે ટી-20નો બેસ્ટ બેટર મનાતો હોય. આઈસીસી રેન્કિંગમાં નંબર 1 પર હોય, પરંતુ વન-ડેમાં તેની ધાર બુઠ્ઠી થઈ જાય છે. પાંચમી ઓવરના પાંચમા દડે સૂર્યા એલબીડબલ્યુ આઉટ થઈ ગયો. તે સ્ટંપની લાઈનમાં આવેલા ગુડ લેન્થ બોલને સમજી શક્યો નહીં અને અક્રોસ રમવાના પ્રયાસમાં એલબીડબલ્યુ આઉટ થઈ ગયો. એ સાથે જ સૂર્યાએ બે મેચમાં પહેલા દડે આઉટ થવાનો શરમજનક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો. તે ઓસ્ટ્રેલિયા સામે એક જ વન-ડે સીરિઝમાં બે-બે વખત ગોલ્ડન ડક થનારો પાંચમો ભારતીય બેટ્સમેન બની ચૂક્યો છે.
મિશેલ સ્ટાર્કે 8 ઓવરમાં 53 રન આપી પાંચ વિકેટ ઝડપી, જ્યારે સીન એબોટએ ત્રણ અને નાથન એલિસે બે વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ માટે કોહલીએ સૌથી વધુ 31 રન બનાવ્યા. તે ઉપરાંત અક્ષર પટેલ 29 રન બનાવી અણનમ રહ્યો. મુંબઈમાં રમાયેલી મેચમાં પણ ટીમ ઈન્ડિયાના આવા જ હાલ થયા હતા. એ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત માટે માત્ર 189 રનનું લક્ષ્ય આપ્યું હતું. ટોપ ઓર્ડર પત્તાના મહેલની જેમ ધરાશાયી થયા બાદ કેએલ રાહુલની અડધી સદી અને રવિન્દ્ર જાડેજાના 45 રને ઈજ્જત બચાવી હતી. ટીમ ઈન્ડિયા હાલ ત્રણ મેચની સીરિઝમાં 1-0થી આગળ છે.