સૂર્યકુમાર યાદવની તોફાની સદી
ત્રીજી અને નિર્ણાયક ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર ઈશાન કિશન એક રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, બાદમાં શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીએ શાનદાર બેટિંગ કરી હતી. આ જોડીએ 49 રનની ભાગીદારી નોંધાવી હતી. તેમાં પણ રાહુલ ત્રિપાઠીએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે 16 બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 35 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે શુભમન ગિલ ચાર રન માટે પોતાની અડધી સદી ચૂકી ગયો હતચો. શુભમન ગિલે બે ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 46 રનની ઈનિંગ્સ રમી હતી.
જોકે, ભારતીય બેટિંગનું મુખ્ય આકર્ષણ સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગ રહી હતી. હાલમાં ટી20 ક્રિકેટમાં વિશ્વના નંબર વન બેટ્સમેન રહેલા સૂર્યકુમાર યાવદે શ્રીલંકાના બોલર્સની ધોલાઈ કરીને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. શ્રીલંકન બોલર્સ તેના પર નિયંત્રણ રાખી શક્યા ન હતા. તેણે તોફાની બેટિંગ કરીને પોતાની સદી પણ પૂરી કરી હતી. સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જેમાં સાત ચોગ્ગા અને નવ સિક્સર સામેલ હતી. જયારે અક્ષર પટેલે નવ બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 21 રન ફટકાર્યા હતા. શ્રીલંકા માટે દિલશાન મદુશંકાએ બે વિકેટ ઝડપી હતી. જ્યારે રજીથા, કરૂણારત્ને અને હસારંગાને એક-એક સફળતા મળી હતી.