સૂર્યકુમાર યાદવે દેખાડી 360 ડિગ્રીની રમત
સૂર્યકુમાર યાદવે પોતાની તોફાની ઈનિંગ્સ દરમિયાન 360 ડિગ્રી શોટ્સ રમ્યા હતા. તેણે મેદાનના પ્રત્યેક ખૂણે બાઉન્ડ્રી ફટકારી હતી. 13મી ઓવરમાં તો તેણે એવા શોટ્સ ફટકાર્યા હતા જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. શ્રીલંકાના મધુશંકાની ઓવરનો બીજો બોલ ઓફ સ્ટમ્પની ઘણો બહાર હતો. આ બોલ એટલો બહાર હતો કે તેને વાઈડ જાહેર કરી શકાય તેમ હતો. જોકે, સૂર્યકુમારે ત્યાં જઈને વિકેટકીપરની ઉપરથી સિક્સર ફટકારી હતી. તેણે આવા ઘણા શોટ્સ રમ્યા હતા. આ જ રીતે સ્પિન બોલર સામે તેણે ક્રિઝની બહાર કૂદીને કવરની ઉપરથી ચોગ્ગો ફટકાર્યો હતો. સૂર્યકુમાર યાદવે સાઉથ આફ્રિકાના મિસ્ટર 360 તરીકે જાણીતા બેટર એબી ડિવિલિયર્સની યાદ અપાવી દીધી હતી.
કયા બોલર સામે કેટલા રન ફટકાર્યા
સૂર્યકુમાર યાદવે સૌથી વધુ રન ચમિકા કરૂણારત્ને વિરુદ્ધ નોંધાવ્યા હતા. તેણે કરૂણારત્નેના 15 બોલમાં 34 રન ફટકાર્યા હતા જેમાં ત્રણ સિક્સર અને ત્રણ ચોગ્ગા સામેલ હતા. દિલશાન મધુશંકાના આઠ બોલમાં ત્રણ સિક્સર અને બે ચોગ્ગાની મદદથી 28 રન ફટકાર્યા હતા. મહીશ તિક્ષાના વિરુદ્ધ 13 બોલમાં 28 રન નોંધાવ્યા હતા. વાનિન્દુ હસારંગાન 11 બોલમાં 13 તથા કાસુન રજિથાના ચાર બોલમાં નવ રન નોંધાવ્યા હતા.
તોફાની અંદાજમાં બેટિંગ કરતા 112 રનની અણનમ ઈનિંગ્સ રમી
સૂર્યકુમાર યાદવે આ મેચમાં 112 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. તેણે 51 બોલનો સામનો કર્યો હતો. સૂર્યકુમારે 45 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ટી20માં ભારત માટે આ બીજી સૌથી ઝડપી સદી છે. રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ જ 2017માં 35 બોલમાં સદી ફટકારી હતી. રાજકોટમાં સૂર્યકુમારે પોતાની ઈનિંગ્સમાં સાત ચોગ્ગા અને નવ સિક્સર ફટકારી હતી.