કેપ્ટન, કોચ અને સ્ટાફે બધાની ઝાટકણી કાઢી
સુનીલ ગાવસ્કરે એકંદરે કેપ્ટન્સી અને કોચિંગ વિશે વાત કરતાં રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની આકરી ઝાટકણી કાઢી હતી. ભારત ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ ફાઈનલમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યું, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હારી ગયું અને સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. રોહિતની કેપ્ટનશિપથી ગાવસ્કર નિરાશ થયા છે. તેણે રાહુલ દ્રવિડ, વિક્રમ રાઠોડ અને પારસ મ્હામ્બરેના કોચિંગ સ્ટાફ પર આકરા પ્રહારો કર્યા છે.
એક અંગ્રેજી દૈનિક સાથે વાત કરતા ગાવસ્કરે કહ્યું હતું કે, મને તેની (રોહિત) પાસેથી વધુ અપેક્ષા હતી. ભારતમાં તે અલગ છે, પરંતુ જ્યારે તમે વિદેશમાં સારો દેખાવ કરો છો ત્યારે તે ખરેખર કસોટી છે. અહીં તેનું પ્રદર્શન થોડું નિરાશાજનક રહ્યું છે. T20 ફોર્મેટમાં પણ IPLનો તમામ અનુભવ, IPLના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ અને સુકાની તરીકે સેંકડો મેચો રમ્યા બાદ પણ ફાઈનલમાં ન પહોંચવું નિરાશાજનક છે.
શું કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે?
ભૂતપૂર્વ ભારતીય સુકાની એ પણ જાણવા માગે છે કે શું પસંદગીકારો અને BCCI દ્વારા ભારતની હારની યોગ્ય સમીક્ષા કરવામાં આવી છે કે નહીં. ગયા મહિને ઓસ્ટ્રેલિયા સામે ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની હાર અંગે વાત કરતાં તેણે કહ્યું હતું કે કોચ દ્રવિડ અને કેપ્ટન રોહિતને તેમના તરફથી લીધેલા નિર્ણયો અંગે ખુલાસો પૂછવો જોઈતો હતો.
બીસીસીઆઈ અને પસંદગીકારોએ આ પ્રશ્નો પૂછવા જોઈએ
તેણે કહ્યું હતું કે, તેમને સવાલ પૂછવો જોઈએ કે, ‘તમે પહેલા ફિલ્ડિંગ કેમ પસંદ કરી?’ સારું, ટોસના સમયે કહેવામાં આવ્યું હતું કે વાદળછાયું વાતાવરણ હતું. ત્યારે પ્રશ્ન એ હોવો જોઈએ કે- શોર્ટ બોલ સામે ટ્રેવિસ હેડની નબળાઈ વિશે તમને ખબર ન હતી? જ્યારે તેણે 80 રન ફટકાર્યા હતા ત્યારે જ બાઉન્સર શા માટે? તમે જાણો છો, હેડ બેટિંગ કરવા આવતાની સાથે જ રિકી પોન્ટિંગ કોમેન્ટ્રી બોક્સમાં કહી રહ્યો હતો કે, તેની સામે બાઉન્સર વડે પ્રહાર કરો. દરેકને તેના વિશે ખબર હતી પરંતુ આપણે તેમ ન કર્યું.
ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસનો અભાવ તો તમે વિન્ડીઝમાં કઈ મેચ રમો છો?
રોહિત શર્મા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની હાર બાદ તૈયારીના અભાવ વિશે વાત કરે છે. ગાવસ્કરે એ દલીલ સ્વીકારી ન હતી. રોહિતને જડબાતોડ જવાબ આપતા તેણે કહ્યું હતું કે, આપણે કેવા પ્રકારની તૈયારીની વાત કરી રહ્યા છીએ? હવે તે વેસ્ટ ઈન્ડિઝ ગયો છે. તમારી સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ઉદાહરણ છે. શું તમે કોઈ મેચ રમો છો? તો આ 20-25 દિવસની શું વાત છે? જ્યારે તમે તૈયારી વિશે વાત કરો ત્યારે સત્યવાદી બનો. 15 દિવસ પહેલા જાઓ અને બે વોર્મ-અપ મેચ રમો. મુખ્ય ખેલાડીઓને આરામ આપી શકાય છે, પરંતુ યુવાનોને તક આપી શકાય છે.