આ અંગે ગાવસ્કરે જણાવ્યું હતું કે, તમે જોશો તો તેમના તરફથી આ નિવેદન આવ્યું છે, ભારતીય મીડિયા તેને આટલું મહત્વ આપે છે તે દુઃખદ વાત છે. પાકિસ્તાની ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયા ખેલાડીઓ ભારતીય ટીમની પસંદગી કરે છે. શું તમે જોયું છે કે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન કે પછી ઓસ્ટ્રેલિયન ટીમની પસંદગી કરી હોય? તે આપણું કામ નથી. પરંતુ આપણે તેમને તેમ કરવા દઈએ છીએ. તેમના તરફથી હંમેશા કહેવામાં આવે છે કે બાબર આઝમ વિરાટ કોહલી અને રોહિત શર્મા કરતા સારો છે, શાહીન આફ્રિદી શ્રેષ્ઠ બોલર છે અને આવી ઘણી બધી વાતો થાય છે. ઈન્ઝમામ ઉલ હક સચિન તેંડુલકર કરતાં વધારે સારો બેટ્સમેન છે. તેમના માટે તે બધા હંમેશા શ્રેષ્ઠ રહેવાના. તેઓ તે રીતે પોતાના સમર્થકોને ખુશ રાખે છે.
વિદેશી ક્રિકેટ પંડિતો ભારતીય ક્રિકેટ ટીમ પર વધારે ફોકસ કરે છે તે અંગે ગાવસ્કરે કહ્યું હતું કે, તમે તમારા અખબારમાં તેમને જગ્યા જ ન આપો. સાઉથ આફ્રિકન કહેશે કે આ ખેલાડી તમારી ટીમમાં હોવો જોઈએ. ઓસ્ટ્રેલિયન એક્સપર્ટ પણ આવું જ કહેશે. આવું વારંવાર થઈ રહ્યું છે. તેઓ કહેશે કે કયા ખેલાડીએ ત્રીજા કે ચોથા નંબર પર બેટિંગ કરવી જોઈએ. આપણે તેમની સલાહની જરૂર નથી, તેમ ગાવસ્કરે કહ્યું હતું.
વર્લ્ડ કપ માટે મંગળવારે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ વર્લ્ડ કપમાં રમવા ઉતરશે. જ્યારે હાર્દિક પંડ્યાને ટીમનો ઉપસુકાની બનાવવામાં આવ્યો છે. ઈજામુક્ત થયેલા લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે જ્યારે સંજૂ સેમસન અને તિલક વર્મા પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યા છે.
વર્લ્ડ કપ 2023 માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઈશાન કિશન, લોકેશ રાહુલ, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ.