કેપ્ટન સેમસને તેની 32 બોલની ઇનિંગ દરમિયાન ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ ગત સિઝનની રનર્સ-અપ રાજસ્થાન રોયલ્સે શાનદાર શરૂઆત કરી હતી. પાવરપ્લેમાં બટલર અને જયસ્વાલે (37 બોલ, નવ ચોગ્ગા) ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા અને ટીમે પ્રથમ છ ઓવરમાં એક વિકેટે 85 રન બનાવ્યા હતા. આ સાથે રાજસ્થાન રોયલ્સે IPLમાં પાવરપ્લેમાં પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો જે અગાઉ 81 રન હતો. તે પાવરપ્લેમાં કોઈપણ ટીમ દ્વારા છઠ્ઠો સર્વોચ્ચ સ્કોર પણ હતો.
ઈંગ્લેન્ડના લિમિટેડ ઓવરના કેપ્ટન બટલરે ત્રીજી ઓવરમાં ભુવનેશ્વરને ડીપ મિડવિકેટ પર સિક્સ ફટકારી અને જયસ્વાલે બે ચોગ્ગા ફટકારીને ઓવરમાં 17 રન બનાવ્યા. બટલરે પછી હાથ ખોલીને વોશિંગ્ટન સુંદરની પહેલી જ ઓવરમાં મિડવિકેટ અને કાઉ કોર્નર પર બે જોરદાર સિક્સર ફટકારી, જેમાં જયસ્વાલે ચોગ્ગા માટે બેકસ્કવેર લેગ પર બોલ મોકલ્યો. પાંચમી ઓવરમાં ચાર ચોગ્ગાથી 17 રન થયા હતા.
બટલરે છઠ્ઠી ઓવરમાં ફઝલહક ફારૂકીની બોલ પર ચોગ્ગો ફટકારીને માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પરંતુ બાદમાં તે બોલ્ડ થઈ ગયો. આનાથી સનરાઇઝર્સ હૈદરાબાદે રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ રાજસ્થાન રોયલ્સના રન રેટ પર તેની કોઈ અસર જોવા મળી નથી. જયસ્વાલને સપોર્ટ કરવા માટે કેપ્ટન સેમસન ક્રિઝ પર ઉતર્યો હતો.
બંનેએ બીજી વિકેટ માટે 54 રનની ભાગીદારી નોંધાવી હતી. જયસ્વાલે ડોમેસ્ટિક સર્કિટમાં પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને 34 બોલમાં તેની અડધી સદી પૂરી કરી. આ સાથે ટીમે આઠમી ઓવરમાં 100 રનનો આંકડો પાર કરી લીધો હતો. જોકે, 50 રન બનાવ્યા બાદ જયસ્વાલ લાંબો સમય ટકી શક્યો ન હતો અને તેને 13મી ઓવરમાં ફઝલહક ફારૂકીએ તેનો બીજો શિકાર બનાવ્યો હતો. કેપ્ટન સેમસન શરૂઆતથી જ ઝડપી સ્કોર કરી રહ્યો હતો જ્યારે ટીમ વારંવાર અંતરાલ પર વિકેટ ગુમાવી રહી હતી પરંતુ તે 28 બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.
રાજસ્થાન રોયલ્સના ટોચના ત્રણ બેટ્સમેનોએ અદ્ભુત ફોર્મ દર્શાવ્યું હતું, જ્યારે યુવા દેવદત્ત પડિકલ (02) 15મી ઓવરમાં ઉમરાન મલિકની પ્રથમ બોલ પર 149.2 કિમી પ્રતિ કલાકની ઝડપે આઉટ થયો હતો. રિયાન પરાગ પણ જલ્દી પેવેલિયન પહોંચી ગયો. અંતે, શિમરોન હેટમાયર (22 અણનમ, 16 બોલ, એક ચોગ્ગો અને એક છગ્ગો) સ્કોર 200 રન સુધી લઈ ગયો.