ડેવોન કોનવેની આક્રમક બેટિંગ, ચેન્નઈ સુપર કિંગ્સનો આસાન વિજય
ચેન્નઈ સામે 135 રનનો લક્ષ્યાંક હતો. જેને ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની ઓપનિંગ જોડીએ એકદમ આસાન બનાવી દીધો હતો. આ જોડીએ પ્રથમ વિકેટ માટે 11 ઓવરમાં 87 રનની ભાગીદારી નોંધાવી હતી. ગાયકવાડ 30 બોલમાં બે ચોગ્ગાની મદદથી 35 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે અજિંક્ય રહાણે અને અંબાતી રાયડૂ નવ-નવ રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. મોઈન અલી છ રને અણનમ રહ્યો હતો. જ્યારે ડેવોન કોનવેએ 57 બોલમાં 12 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી અણનમ 77 રનની ઈનિંગ્સ રમી હતી.
જાડેજાની શાનદાર બોલિંગ, હૈદરાબાદના બેટ્સમેનોનું નિરાશાજનક પ્રદર્શન
ચેન્નઈના સ્ટાર સ્પિનર રવિન્દ્ર જાડેજા સહિત અન્ય બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શન સામે હૈદરાબાદના બેટ્સમેનો રન નોંધાવી શક્યા ન હતા. ટીમ પૂરી 20 ઓવર રમી હોવા છતાં તે સાત વિકેટે 134 રનનો સ્કોર જ નોંધાવી શકી હતી. ટીમ માટે ઓપનર અભિષેક શર્માએ સૌથી વધુ 34 રન ફટકાર્યા હતા. તેણે 26 બોલની પોતાની ઈનિંગ્સમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે રાહુલ ત્રિપાઠીએ 21 અને ઓપનર હેરી બ્રૂકે 18 રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત ક્લાસેન અને માર્કો જાનસેને 17-17 રનની ઈનિંગ્સ રમી હતી. ચેન્નઈ માટે રવિન્દ્ર જાડેજાએ ચાર ઓવરમાં 22 રન આપીને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે આકાશ સિંહ, મહિષ તિક્શના અને મથીશા પથિરાનાને એક-એક સફળતા મળી હતી.