ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બુધવારે અમદાવાદમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી20 ક્રિકેટ મેચ અગાઉ ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટર્સ ટીમ ઈન્ડિયામાં શુભમન ગિલને મળી રહેલી તકની ટીકા કરી રહ્યા હતા. જોકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલે ધમાકેદાર બેટિંગ કરીને તમામ ટીકાકારોના મોઢા બંધ કરી દીધા છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે 63 બોલમાં અણનમ 126 રનની ઈનિંગ્સ રમી હતી. પોતાની આ ઈનિંગ્સ દરમિયાન શુભમન ગિલે કેટલાક રેકોર્ડ્સ પણ તોડી નાંખ્યા હતા. શુભમન ગિલ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારો પાંચમો બેટર બની ગયો છે. આ ઉપરાંત તે ટી20માં ભારત માટે સૌથી મોટી ઈનિંગ્સ રમનારો બેટર પણ બની ગયો છે. ગિલની બેટિંગથી વિરાટ કોહલી ઘણો જ પ્રભાવિત થયો છે.
વિરાટ કોહલીએ શુભમન ગિલની પ્રશંસા કરી છે. કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર ગિલની પ્રશંસા કરતા તેને સિતારો (સ્ટાર) ગણાવ્યો છે. આ ઉપરાંત તેણે લખ્યું હતું કે ભવિષ્ય અહીંયા છે. નોંધનીય છે કે શુભમન ગિલે ત્રણેય ફોર્મેટ માટેની ટીમ ઈન્ડિયામાં પોતાની દાવેદારી મજબૂત બનાવી દીધી છે. ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ મેચમાં ગિલની ધમાકેદાર ઈનિંગ્સની મદદથી જ ટીમ ઈન્ડિયાએ ટી20માં પોતાનો સૌથી મોટો વિજય નોંધાવ્યો હતો. શુભમન ગિલ હવે આંતરરાષ્ટ્રીય ટી20માં સૌથી મોટી ઈનિંગ્સ રમનારો ભારતીય બની ગયો છે. તેણે વિરાટ કોહલીના રેકોર્ડને તોડી નાંખ્યો હતો.
શુભમન ગિલની સદીની મદદથી ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં ચાર વિકેટે 234 રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. 235 રનના લક્ષ્યાંક સામે ન્યૂઝીલેન્ડની બેટિંગ અત્યંત કંગાળ રહી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત ભારતીય બોલર્સના ઝંઝાવાતી પ્રદર્શન સામે ન્યૂઝીલેન્ડના બેટર્સ ઘૂંટણીયે પડી ગયા હતા. ન્યૂઝીલેન્ડની ટીમ 12.1 ઓવરમાં 66 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. આ સાથે ભારતે ત્રણ મેચની સિરીઝ 2-1થી જીતી લીધી હતી.
શુભમન ગિલે ગત મહિને શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી સિરીઝ દ્વારા ટી20માં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેણે પાંચ મેચમાં ફક્ત 76 રન જ નોંધાવ્યા હતા. જોકે, ન્યૂઝીલેન્ડ સામે તેણે દેખાડી દીધું કે તે ટી20માં પણ ધમાકેદાર બેટિંગ કરી શકે છે. હવે ગિલ અને કોહલી ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં સાથે રમતા જોવા મળશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થશે.