ત્રણેય ફોર્મેટમાં સદી નોંધાવનારો સૌથી નાની વયનો ખેલાડી બન્યો
23 વર્ષ અને 146 દિવસની વય ધરાવતો શુભમન ગિલે 2022માં બાંગ્લાદેશ સામે ચિત્તોગ્રામમાં રમાયેલી ટેસ્ટ મેચમાં પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. જેમાં તેણે 110 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ગત વર્ષે ઓગસ્ટમાં હરારેમાં ઝિમ્બાબ્વે સામે રમાયેલી વન-ડેમાં તેણે પોતાની પ્રથમ સદી ફટકારતા 130 રનની ઈનિંગ્સ રમી હતી. હવે ન્યૂઝીલેન્ડ સામે 126 રનની અણનમ ઈનિંગ્સ રમીને ટી20માં પણ સદી ફટકારી છે. આ સાથે જ તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારો સૌથી નાની વયનો ખેલાડી બની ગયો છે.
ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારો ભારતનો પાંચમો ખેલાડી
શુભમન ગિલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારો ભારતનો પાંચમો ખેલાડી બન્યો છે. આ પહેલા સુરેશ રૈના, રોહિત શર્મા, લોકેશ રાહુલ અને વિરાટ કોહલી આ સિદ્ધિ નોંધાવી ચૂક્યા છે.
ટી20માં સદી ફટકારનારો આઠમો ભારતીય
શુભમન ગિલ આંતરરાષ્ટ્રીય ટી20માં સદી ફટકાનારો ભારતનો આઠમો ખેલાડી છે. ભારત માટે આંતરરાષ્ટ્રીય ટી20માં સૌથી વધુ સદી રોહિત શર્માના નામે છે. તેણે અત્યાર સુધી ચાર સદી ફટકારી છે. જ્યારે સૂર્યકુમાર યાદવે ત્રણ અને લોકેશ રાહુલે બે સદી ફટકારી છે. આ ઉપરાંત શુભમન ગિલ, સુરેશ રૈના, દીપક હૂડા અને વિરાટ કોહલીએ એક-એક સદી ફટકારી છે. જ્યારે હરમનપ્રીત કૌરે વિમેન્સ ટી20માં સદી ફટકારી છે.
આંતરરાષ્ટ્રીય ટી20માં સૌથી મોટી ઈનિંગ્સ રમાનારો ભારતીય બન્યો
શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની ટી20માં અણનમ 126 રનની ઈનિંગ્સ રમી છે. આ સાથે જ તે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં ભારત માટે સૌથી મોટો વ્યક્તિગત સ્કોર નોંધાવાનારો ખેલાડી બની ગયો છે. તેણે વિરાટ કોહલીના અણનમ 122 રનના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. કોહલીએ ગત વર્ષે એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી20 સદી ફટકારી હતી. આ યાદીમાં 118 રન સાથે રોહિત શર્મા ત્રીજા અને સૂર્યકુમાર યાદવ 117 રન સાતે ચોથા ક્રમે છે.