રોહિત શર્માની ગેરહાજરીમાં શિખર ધવન ઘણી વખત સુકાની પદની જવાબદારી સંભાળી ચૂક્યો છે. આ વર્ષે ઓગસ્ટમાં ઝિમ્બાબ્વે પ્રવાસમાં તેને ત્રણ વન-ડે મેચની સીરિઝ માટે ટીમનો સુકાની બનાવવામાં આવ્યો હતો. બાદમાં લોકેશ રાહુલ ફિટ થઈ ગયો ત્યારે રાષ્ટ્રીય પસંદગી સમિતિએ તેની પાસેથી સુકાની પદ આંચકી લીધું હતું અને રાહુલને કેપ્ટન બનાવ્યો હતો.
શિખર ધવને જણાવ્યું હતું કે, હું માનું છું કે કેટલીક બાબતો પહેલાથી જ લખાયેલી હોય છે અને જે પણ થાય છે તે સારા માટે થાય છે. તેથી મને દુખ ન હતું થયું. તમે ઝિમ્બાબ્વેના પ્રવાસ બાદ જોશો તો ખ્યાલ આવશે કે મને સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઘરઆંગણે રમાયેલી સીરિઝમાં સુકાની બનાવવામાં આવ્યો હતો. એ જ પસંદગી સમિતિએ મને કેપ્ટનસી આપી હતી. તેથી ઝિમ્બાબ્વેમાં જે કંઈ પણ થયું હતું તેનાથી મને દુઃખ ન હતું થયું. ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે.
હવે ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ધવનને ત્રણ વન-ડે મેચની સીરિઝ માટે ફરીથી ટીમનો સુકાની બનાવવામાં આવ્યો છે. પોતાની કારકિર્દી અંગે તેણે જણાવ્યું હતું કે, હું મારી કારકિર્દીના આ તબક્કે ઘણો જ નસીબદાર છું કે મને ટીમ ઈન્ડિયાની આગેવાની કરવાની તક મળી છે. તેણે સમજાવ્યું હતું કે, ઝિમ્બાબ્વેમાં લોકેશ રાહુલને સુકાની બનાવવામાં આવ્યો હતો કારણ કે તે મુખ્ય ટીમનો ઉપસુકાની હતો. તે સીરિઝ બાદ રાહુલ એશિયા કપમાં ગયો હતો અને જો કદાચ આ દરમિયાન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હોત તો રાહુલ કેપ્ટન બન્યો હોત. તેથી તે સારી વાત હતી કે ઝિમ્બાબ્વેમાં રાહુલ ટીમની આગેવાની કરે જેનાથી તે નેતૃત્વ માટે તૈયાર રહે. તે દ્રષ્ટીથી જોતા મને લાગે છે કે તે ઘણું સારું થયું હતું.