sania mirza, સાનિયા મિર્ઝાની ગ્રાન્ડ સ્લેમ કારકિર્દીનો અંત... મેલબોર્નમાં ફેરવેલ સ્પીચ વખતે રડી પડી - australian open 2023 sania mirza bids emotional farewell to grand slams

sania mirza, સાનિયા મિર્ઝાની ગ્રાન્ડ સ્લેમ કારકિર્દીનો અંત… મેલબોર્નમાં ફેરવેલ સ્પીચ વખતે રડી પડી – australian open 2023 sania mirza bids emotional farewell to grand slams


ભારતની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાની ગ્રાન્ડ સ્લેમ કારકિર્દીનો શુક્રવારે અંત આવ્યો હતો. સાનિયા અને તેના જોડીદાર રોહન બોપન્નાને ઓસ્ટ્રેલિયન ઓપનની મિક્સ ડબલ્સની ફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સાનિયા મિર્ઝાએ રનર અપ તરીકે પોતાની ગ્રાન્ડ સ્લેમ કારકિર્દીનો અંત આણ્યો છે. સાનિયા મિર્ઝાએ પોતાની કારકિર્દીમાં છ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. જેમાં ત્રણ વિમેન્સ ડબલ્સ અને ત્રણ મિક્સ ડબલ્સ સામેલ છે. સાનિયા અને બોપન્નાની જોડીને રોડ લેવર અરેનામાં રમાયેલી ફાઈનલમાં બ્રાઝિલની લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસની જોડી સામે 6-7 (2), 2-6થી પરાજય થયો હતો.

મેચ બાદ સાનિયા મિર્ઝાએ પોતાની ફેરવેલ સ્પીચ આપી હતી અને આ દરમિયાન તે ઘણી ભાવુક થઈ ગઈ હતી. તે રડી પડી હતી અને તેના મોઢામાંથી શબ્દો પણ નીકળી શક્યા ન હતા. તેણે કહ્યું હતું કે, જો હું રડું છું તો આ ખુશીના આંસુ છે. મારે હજી બે ટુર્નામેન્ટ રમવાની છે પરંતુ મારી પ્રોફેશનલ કારકિર્દીનો પ્રારંભ મેલબોર્નથી થયો હતો. સાનિયા મિર્ઝાએ પોતાના જોડીદાર રોહન બોપન્નાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, મિક્સ્ડ ડબલ્સમાં રોહન બોપન્ના મારો પ્રથમ જોડીદાર હતો. ત્યારે હું 14 વર્ષની હતી અને અમે નેશનલ ટાઈટલ જીત્યું હતું. આ 22 વર્ષ જૂની વાત છે અને હું મારી કારકિર્દીનો અંત લાવતી વખતે તેનાથી વધારે શ્રેષ્ઠ વ્યક્તિ અંગે વિચારી શકું નહીં. તે મારો સર્વશ્રેષ્ઠ મિત્ર અને મારા સર્વશ્રેષ્ઠ જોડીદારમાંનો એક છે.
36 વર્ષીય સાનિયાએ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે દુબઈમાં રમાનારી ડબલ્યુટીએ ટુર્નામેન્ટ તેની કારકિર્દીની અંતિમ ટુર્નામેન્ટ હશે. તે ભારતની સૌથી સફળ મહિલા ટેનિસ ખેલાડી છે. સાનિયા મિર્ઝાએ મહેશ ભૂપતિ સાથે મળીને 2009માં ઓસ્ટ્રેલિયન ઓપન અને 2012માં ફ્રેન્ચ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સ ટાઈટલ જીત્યા હતા. તેણે 2014માં બ્રાઝિલના બ્રુનો સોરેસ સાથે મળીને યુએસ ઓપનનું મિક્સ્ડ ડબલ્સ ટાઈટલ જીત્યું હતું.

રોડ લેવર અરેનામાં સાનિયાનો રેકોર્ડ સારો રહ્યો છે. તેણે અહીં વિમેન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ ટાઈટલ જીત્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ઓપનમાં તે ચાર વખત રનર અપ રહી છે. સાનિયાએ કહ્યું હતું કે, 2005માં 18 વર્ષની ઉંમરે મેં અહીંથી મારી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારે હું સેરેના વિલિયમ્સ વિરુદ્ધ રમી હતી. મને વારંવાર અહીં આવવા અને કેટલીક ટુર્નામેન્ટમાં વિજય નોંધાવવાની તક મળી છે. રોડ લેવર અરેના ચોક્કસથી મારા જીવનમાં ખાસ સ્થાન ધરાવે છે. મારી ગ્રાન્ડ સ્લેમ કારકિર્દીના અંત માટે આનાથી ઉત્તમ બીજું કોઈ સ્થાન હોઈ શકે નહીં.

સાનિયાના દીકરા ઈજહાન અને પરિવારના અન્ય સભ્યોની હાજરીએ તેની ફાઈનલને ઘણી ખાસ બનાવી દીધી હતી. તેણે કહ્યું હતું કે, મેં ક્યારેય ન હતું વિચાર્યું કે હું મારા પુત્રની સામે ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમીશ. આ મારા માટે ખાસ છે. મારા માતા-પિતા અને ચાર વર્ષનો પુત્ર અહીં હાજર છે. રોહનની પત્ની, મારો ટ્રેનર અને મારો પરિવાર ઓસ્ટ્રેલિયામાં જેનાથી મને ઘર જેવું લાગી રહ્યું છે. કારા બ્લેક મારી સારી ફ્રેન્ડ અને સર્વશ્રેષ્ઠ જોડીદાર રહી છે. હું આ બધા જોડીદારો વગર કંઈ પણ હાંસલ કરી શકી ન હોત. તેથી તેઓ મારા માટે ખાસ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *