ઋતુરાજ ગાયકવાડ થયો બહાર
ન્યૂઝીલેન્ડ સામે ટી20 સિરીઝમાંથી ભારતીય ઓપનર ઋતુરાજ ગાયકવાડ બહાર થઈ ગયો છે. તેના કાંડામાં દુખાવો થઈ રહ્યો છે અને તેના કારણે તે ન્યૂઝીલેન્ડ સામે રમી શકશે નહીં. એક ક્રિકેટ વેબસાઈટના અહેવાલ પ્રમાણે 25 વર્ષીય બેટર પોતાની ઈજા બાદ રિહાબ માટે બેંગલુરૂની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં પહોંચ્યો છે. ગાયકવાડે છેલ્લે હૈદરાબાદ સામે મહારાષ્ટ્ર માટે રણજી ટ્રોફી મેચ રમી હતી. તે મેચના પ્રથમ દાવમાં તેણે 8 રન નોંધાવ્યા હતા જ્યારે બીજા દાવમાં તે ખાતું પણ ખોલી શક્યો ન હતો.
બાદમાં તેણે બીસીસીઆઈને પોતાના કાંડામાં થઈ રહેલા દુખાવાની જાણકારી આપી હતી. જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે તેના કાંડામાં ઈજાની ફરિયાદ થઈ હોય. ગત વર્ષે શ્રીલંકા વિરુદ્ધ આ જ પ્રકારની ઈજાના કારણે તે રમી શક્યો ન હતો. ગત વર્ષે કોરોના પોઝિટિવ આવ્યા બાદ તે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઘરઆંગણે રમાયેલી વન-ડે સિરીઝમાં પણ રમી શક્યો ન હતો.
ટીમમાં હજી પણ ત્રણ ઓપનર
ઋતુરાજ ગાયકવાડ બહાર થઈ ગયો હોવા છતાં ભારતીય ટીમમાં ત્રણ ઓપનર છે. વિકેટકીપર ઈશાન કિશન અને શુભમન ગિલ ઉપરાંત પૃથ્વી શો પણ ટીમમાં સામેલ છે. મુંબઈના વિસ્ફોટક બેટર પૃથ્વી શો આ સિરીઝ દ્વારા ટીમમાં કમબેક કરવા જઈ રહ્યો છે. તેણે છેલ્લે જુલાઈ 2021માં ભારત માટે અંતિમ મેચ રમી હતી.