મર્ફીના તરખાટ વચ્ચે રોહિત શર્માની સદી
મેચમાં બીજા દિવસે ભારતે એક વિકેટે 77 રનથી પોતાનો સ્કોર આગળ ધપાવ્યો હતો. રોહિત શર્મા અને અશ્વિને મક્કમતાથી ઓસ્ટ્રેલિયન બોલર્સનો સામનો કર્યો હતો. ભારતે અશ્વિનને નાઈટવોચમેન તરીકે મોકલ્યો હતો. અશ્વિન 23 રન નોંધાવીને મર્ફીના બોલ પર આઉટ થયો હતો. આ સાથે ભારતે બીજા દિવસે પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. મર્ફીએ ભારતને ઘણા મોટા ઝાટકા આપ્યા હતા. તેણે પ્રથમ દિવસે લોકેશ રાહુલને આઉટ કર્યો હતો. બાદમાં બીજા દિવસે તેણે અશ્વિન ઉપરાંત ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલીને પણ પેવેલિયન ભેગા કર્યા હતા. પૂજારા સાત અને કોહલી 12 રન નોંધાવીને આઉટ થયા હતા. સૂર્યકુમાર યાદવ આઠ રન નોંધાવીને નાથન લાયનનો શિકાર બન્યો હતો. જોકે, રોહિત શર્માએ એક છેડો જાળવી રાખ્યો હતો અને લાજવાબ અંદાજમાં બેટિંગ કરતાં 120 રનની ઈનિંગ્સ રમી હતી. તેણે 212 બોલમાં 15 ચોગ્ગા અને બે સિક્સર ફટકારી હતી.
બોલિંગ બાદ બેટિંગમાં પણ જાડેજાની કમાલ, અક્ષરે પણ અડધી સદી ફટકારી
રોહિત શર્માને રવિન્દ્ર જાડેજાનો સારો સાથ મળ્યો હતો. આ જોડીએ ઓસ્ટ્રેલિયન બોલર્સનો મક્કમતાથી સામનો કર્યો હતો. પ્રથમ દાવમાં પાંચ વિકેટ ઝડપનારા જાડેજાએ બેટિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારી હતી અને હજી પણ તે રમતમાં છે. જોકે, વિકેટકીપર બેટર શ્રીકર ભરત આઠ રન નોંધાવીને આઉટ થયો હતો. પરંતુ અક્ષર પટેલે જાડેજા સાથે મળીને ભારતીય સ્કોરને આગળ ધપાવ્યો હતો અને તે પણ અડધી સદી નોંધાવીને રમતમાં છે. જાડેજાએ 170 બોલમાં 9 ચોગ્ગા સાથે 66 રન નોંધાવ્યા છે અને અક્ષર પટેલે 102 બોલમાં 52 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયા માટે ટોડ મર્ફીએ 36 ઓવરમાં 82 રન આપીને પાંચ વિકેટ ઝડપી છે. જ્યારે પેટ કમિન્સ અને નાથન લાયનને એક-એક સફળતા મળી છે.