India Tour Bangladesh 2022: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા જાહેર કરવામાં આવેલા મીડિયા સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, મેચ રેફરી રંજન મદુગલેએ નિર્ધારીત સમય કરતાં ચાર ઓવર પાછળ હોવાના કારણે ભારતીય ટીમ (Indian Cricket Team)ને દંડ ફટકાર્યો છે. ભારતીય સુકાની રોહિત શર્મા દોષિત છે અને તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે
હાઈલાઈટ્સ:
- ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં બાંગ્લાદેશના પ્રવાસે છે, બંને ટીમો વચ્ચે વન-ડે સીરિઝ રમાઈ રહી છે
- પ્રથમ વન-ડેમાં ભારતીય ટીમને બાંગ્લાદેશ સામે એક વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો
- પ્રથમ વન-ડેમાં સ્લો ઓવર રેટ બદલ ભારતીય ટીમને દંડ ફટકારવામાં આવ્યો છે
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા જાહેર કરવામાં આવેલા મીડિયા સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, મેચ રેફરી રંજન મદુગલેએ નિર્ધારીત સમય કરતાં ચાર ઓવર પાછળ હોવાના કારણે ભારતીય ટીમ પર દંડ ફટકાર્યો છે. ભારતીય સુકાની રોહિત શર્મા દોષિત છે અને તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. જેના કારણે કોઈ સુનાવણીની જરૂર નથી. સ્ટેટમેન્ટમાં આગળ જણાવવામાં આવ્યું હતું કે, આઈસીસી કોડ ઓફ કન્ડક્ટ ફોર પ્લેયર્સ એન્ડ પ્લેયર સપોર્ટ પર્સનલના આર્ટિકલ 2.22 કે જે મિનિમમ ઓવર રેટના ગુના સાથે સંલગ્ન છે તે પ્રમાણે ખેલાડીઓને મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવે છે.
પ્રથમ વન-ડેમાં ભારતીય ટીમને બાંગ્લાદેશ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમે ત્રણ મેચની સીરિઝ જીતવી હશે તો તેણે બાકીની બંને મેચ જીતવી પડશે. પ્રથમ વન-ડેમાં પરાજય બાદ ભારતીય સુકાની રોહિત શર્માની આકરી ટીકાઓ થઈ રહી છે. આગામી વર્ષે વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે તેવામાં આ સીરિઝ તેને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે. અગાઉ ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપમાં પણ નિરાશાજનક પ્રદર્શન સાથે બહાર થઈ ગઈ હતી. ટીમને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હવે બુધવારે બીજી વન-ડે રમાશે.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ