મુંબઈ અત્યારે પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે છે અને જો તેણે આગળ વધવું હોય તો તેના મુખ્ય બેટ્સમેનોએ સારું પ્રદર્શન કરવું પડશે. આ આઈપીએલમાં રોહિત શર્માની ભૂમિકા ટીમને ઝડપી શરૂઆત અપાવવાની છે. રોહિત શર્મા કેટલીક મેચોમાં આમ કરવામાં સફળ રહ્યો, પરંતુ તેના પ્રદર્શનમાં સાતત્ય જાળવી શક્યો નહીં. તેના વહેલા આઉટ થવાથી ટીમના મિડલ ઓર્ડર પર દબાણ વધી રહ્યું છે. રોહિત ગયા વર્ષે પણ IPLમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. ગત સિઝનમાં તેણે 14 મેચમાં 268 રન નોંધાવ્યા હતા અને તેની ટીમ છેલ્લા સ્થાને રહી હતી.
બધા પ્રયોગો નિષ્ફળ જાય છે
રોહિત શર્મા પર દબાણ દૂર કરવા માટે મુંબઈ ઈન્ડિયન્સે તેને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની છેલ્લી મેચમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવા મોકલ્યો, પરંતુ આ દાવ પણ સફળ રહ્યો ન હતો. રોહિત શર્મા સતત બીજી મેચમાં ખાતું પણ ખોલી શક્યો ન હતો જ્યારે તેના સ્થાને ઈનિંગ્સની શરૂઆત કરનાર કેમેરોન ગ્રીન માત્ર છ રન નોંધાવીને આઉટ થયો હતો. મુંબઈ આ મેચમાં આઠ વિકેટે 139 રન જ નોંધાવી શકી હતી અને તેને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.
વિરેન્દ્ર સેહવાગે કહ્યું- માનસિક સમસ્યા
રોહિત શર્માના ફોર્મ અંગે ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગનું માનવું છે કે રોહિતની સમસ્યા ટેકનિકલ નથી પરંતુ માનસિક છે. એક કાર્યક્રમમાં વાત કરતા સેહવાગે કહ્યું હતું કે, ‘રોહિત શર્મા બોલરો સાથે નહીં પરંતુ પોતાની સાથે લડી રહ્યો છે. અને તે છે માનસિક અવરોધ. તેની બેટિંગ ટેકનિકમાં કોઈ સમસ્યા નથી. તેના મનમાં કંઈક મૂંઝવણ ચાલી રહી છે. પરંતુ જે દિવસે રોહિત શર્માનું બેટ ચાલશે ત્યારે તે અગાઉની તમામ મેચોની ભરપાઈ કરી દેશે.