વન-ડે સીરિઝમાં ટીમ મેનેજમેન્ટ દ્વારા નવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી. જેના કારણે રોહિત શર્મા બીજી અને ત્રીજી મેચમાં રમ્યો ન હતો. તેની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાએ ટીમની આગેવાની કરી હતી. હાલમાં ભારતીય ટીમ ટી20 સીરિઝ રમી રહી છે અને રોહિત શર્મા તેનો ભાગ નથી. હાલમાં રોહિત પોતાની પત્ની સાથે એક નાનાકડા વેકેશનનો આનંદ માણી રહ્યો છે.
હાલમાં અમેરિકામાં એક ઈવેન્ટમાં હાજર રહેલા રોહિત શર્માને એક પ્રશંસકે પ્રશ્ન કર્યો હતો કે પાકિસ્તાનનો એવો કયો બોલર છે જેની સામે રમવું પડકારજનક છે. આ પ્રશ્નનો રોહિત શર્માએ એવો જવાબ આપ્યો હતો કે તેની પત્ની રિતિકા સજદેહ ખડખડાટ હસી પડી હતી. રોહિતે પોતાના જવાબમાં કહ્યું હતું કે, પાકિસ્તાનની ટીમમાં બધા સારા છે. હું કોઈનું નામ નહીં લઉ. પછી મોટા મોટા વિવાદ થાય છે. એકનું નામ લઉ છું તો બીજાને ખોટું લાગે છે. બીજાનું નામ લઉ છું તો ત્રીજાને ખોટું લાગે છે. બધા જ સારા છે.
રોહિત શર્માની ગેરહાજરીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની ટી20 સીરિઝમાં હાર્દિક પંડ્યા ટીમની આગેવાની કરી રહ્યો છે. જોકે, ટીમ ઈન્ડિયા પ્રથમ બે ટી20 મેચ ગુમાવી ચૂકી છે. હાલમાં યજમાન ટીમ 2-0થી આગળ છે. હવે બંને ટીમો મંગળવારે ગુયાનામાં ત્રીજી ટી20માં આમને-સામને થશે. રોહિત શર્માને થોડો સમય આરામ મળશે અને ત્યારબાદ તે એશિયા કપમાં ટીમની આગેવાની કરશે.