રિષભ પંતનો વીડિયો વાઈરલ
નોંધનીય છે કે તૂટેલો પગ અને અનેક ઈન્જરી હોવા છતાં રિષભ પંત ટીમને ચિયર કરવા માટે પહોંચ્યો હતો. જોકે ત્યારપછી દિલ્હી કેપિટલ્સની ટીમ મેચ હારી ગઈ હતી. રિષભ પંત આ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો હતો. મેચ પછી તેણે હેડ કોચ રિકિ પોન્ટિંગ સહિત ડેવિડ વોર્નર અને અક્ષર પટેલ સાથે ખાસ ચર્ચાઓ કરી હતી. તેણે પોતાની ઈન્જરી અને અકસ્માત વિશે પણ વિગતવાર વાતચીત કરી હોવાની માહિતી મળી રહી છે.
મેચ જીત્યા પછી ગુજરાતના ખેલાડીઓ આવ્યા ડ્રેસિંગ રૂમ
ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઈટન્સે આ મેચ જીતી લીધી હતી. ત્યારપછી GTના કેટલાક ખેલાડી દિલ્હીના ડ્રેસિંગ રૂમમાં પહોંચી ગયા હતા. રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ખાસ કરીને રિષભ પંતને મળવા માટે ત્યાં પહોંચ્યા હતા. જ્યાં જઈને તેમણે પંત સાથે વાતચીત કરી હતી. તેમની ફિટનેસ અપડેટ સહિતની ચર્ચાઓ થઈ હતી. એટલું જ નહીં ગુજરાત ટાઈટન્સના કોચ આશિષ નહેરા પણ રિષભ પંતની તબિયત અંગે જાણ લેવા પહોંચ્યા હતા.
સુદર્શનની શાનદાર અડધી સદી, ગુજરાતને અપાવ્યો વિજય
બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ સાઈ સુદર્શનની આક્રમક અડધી સદીની મદદથી ગુજરાત ટાઈટન્સ ટીમે આઈપીએલ-2023 ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સળંગ બીજો વિજય નોંધાવ્યો હતો. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ગુજરાતની ટીમે બેટિંગ અને બોલિંગ બંનેમાં લાજવાબ પ્રદર્શન કર્યું હતું અને દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હરાવ્યું હતું. ટુર્નામેન્ટમાં હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ગુજરાત ટીમનો આ સળંગ બીજો વિજય છે.
અગાઉ ટુર્નામેન્ટની ઓપનિંગ મેચમાં ગુજરાતે ચેન્નઈ સુપર કિંગ્સને પરાજય આપ્યો હતો. ગુજરાતે ટોસ જીતીને દિલ્હીને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. દિલ્હીની ટીમે 20 ઓવરમાં 162 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ગુજરાતની ટીમે 18.1 ઓવરમાં ચાર વિકેટે 163 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. સુદર્શને અણનમ 62 રન નોંધાવ્યા હતા. આ વિજય સાથે ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગયું છે.