ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિશભ પંત પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરવા અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચ્યો હતો. IPL-2023માં ગુજરાત ટાઈટન્સ સામે દિલ્હીની આ સિઝનની પ્રથમ મેચ છે. પોતાની ઈજાને અવગણીને રિષભ પંત સ્ટેન્ડ પર બેઠેલો જોવા મળ્યો હતો. સફેદ ટી-શર્ટ અને ચશ્મામાં તે પહેલા કરતા થોડો ભારે દેખાઈ રહ્યો છે. આટલી મોટી દુર્ઘટના પછી તે હોસ્પિટલમાં ભરતી રહ્યો હતો. જેના કારણે તેનું વજન પણ વધી ગયું છે. ક્રોચનો ટેકો લઈને તે જાતે પોતાની સીટ પર બેસી ગયો હતો. જોકે આ દરમિયાન તેમને સમર્થન આપવા માટે ઘણા લોકો પણ હાજર હતા. મેદાનમાંથી ઋષભ પંતના ઘણા ફોટા અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.અગાઉ ટીમ મેનેજમેન્ટે રિષભ પંતને દિલ્હી કેપિટલ્સના ડગઆઉટની છત પર તેની જર્સી લટકાવીને યાદ કર્યો હતો. જોકે બીસીસીઆઈને આ પગલું બિલકુલ પસંદ આવ્યું ન હતું. ભારતીય ક્રિકેટ બોર્ડે આ માટે દિલ્હી ફ્રેન્ચાઈઝીની પણ ટીકા કરી હતી. બોર્ડે કહ્યું હતું કે કોઈ અપ્રિય ઘટના અથવા ખેલાડીની નિવૃત્તિ પછી જર્સી લટકાવવા જેવી બાબતો યોગ્ય રહે છે. પરંતુ આવા ઘાયલ સક્રિય ખેલાડીને શ્રદ્ધાંજલિ આપવી તે સમજની બહાર છે.
દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના ડારેક્ટર શ્યામ શર્માએ રિષભ પંત માટે ખાસ બેઠક વ્યવસ્થા કરી હતી. જેથી તે સ્ટેડિયમમાં આરામથી મેચ જોઈ શકે. ડીડીસીએના પ્રમુખ રોહન જેટલી પોતે બાબતો પર નજર રાખી રહ્યા હતા. આ દરમિયાન રિશભ પંતની સુરક્ષા પણ વધારવામાં આવી હતી જેથી કરીને કોઈ તેને બિનજરૂરી પરેશાન ન કરે.
ગયા વર્ષે 30 ડિસેમ્બરના રોજ થયેલા ભયાનક કાર અકસ્માત પછી ક્રિકેટ સ્ટેડિયમમાં રિશભ પંતની આ પ્રથમ હાજરી છે. રિશભ પંત એક માર્ગ અકસ્માતમાં માંડમાંડ બચ્યો હતો. ત્યારબાદ તેના પર સર્જરી કરવામાં આવી હતી. હાલમાં તે ઈજામાંથી મુક્ત થઈ રહ્યો છે. પંતની ગેરહાજરીમાં ડેવિડ વોર્નર દિલ્હીની ટીમની કપ્તાની સંભાળી રહ્યો છે. ફ્રેન્ચાઇઝીએ પંતની જગ્યાએ ડાબોડી વિકેટકીપર બેટ્સમેન અભિષેક પોરેલનો સમાવેશ કર્યો છે.