ત્રણ કલાક ચાલી રિષભની સર્જરી
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “શુક્રવારે સવારે આશરે 10.30 કલાકે ડૉ. પાર્દીવાલા અને તેમની ટીમે રિષભ પંતનું ઓપરેશન કર્યું છે. જે લગભગ બે-ત્રણ કલાક ચાલી હતી.” મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દર્દીની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાંથી કોઈ તેની રિકવરી અંગે પુષ્ટિ નહીં કરે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) જ પંતની હેલ્થ અપડેટ આપશે.
સંપૂર્ણ સાજો થવામાં લાગશે સમય
રિષભ પંતને બુધવારે દહેરાદૂનથી એરલિફ્ટ કરીને મુંબઈ લાવવામાં આવ્યો હતો. દિલ્હી-દહેરાદૂન હાઈવે પર રિષભ પંતનો એક્સિડન્ટ થયા બાદ પ્રાથમિક સારવાર રૂડકીમાં જ આપવામાં આવી હતી. જે બાદ લિગામેન્ટની સર્જરી માટે તેને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી ખાતે લવાયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ, કેટલાક પ્રાથમિક ચેકઅપ બાદ શુક્રવારે પંતની સર્જરી કરાઈ હતી. લેફ્ટ હેન્ડ બેટ્સમેન રિષભ પંતને સંપૂર્ણપણે સાજા થવામાં હજી થોડો સમય લાગી શકે છે.
પ્લાસ્ટિક સર્જરી પણ થઈ હતી
ઉલ્લેખનીય છે કે, અકસ્માતમાં રિષભ પંતને ચહેરા પર પણ ઈજા થઈ હતી ત્યારે તેના કપાળ પર પણ પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. રિષભને તેની ડાબી આંખની ઉપર કપાળના ભાગે પ્લાસ્ટિક સર્જરી કરવી પડી છે. દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં તેની સર્જરી થઈ હતી.
ડિવાઈડર સાથે અથડાઈ હતી કાર
જણાવી દઈએ કે, રિષભ પંત દિલ્હીથી મર્સિડિઝ કારમાં નીકળ્યો હતો ત્યારે દિલ્હી-દહેરાદુન હાઈવે પર તેની કાર ડિવાઈડર સાથે અથડાઈને ગુલાંટ મારી ગઈ હતી અને કારમાં તરત આગ લાગી ગઈ હતી. પંત માટે આ અકસ્માત જીવલેણ સાબિત થઈ શકે તેમ હતો, પરંતુ સદનસીબે તેને બચાવી લેવાયો હતો. રિષભ પંત પોતાની Mercedes GLE કાર જાતે ચલાવતો હતો અને વહેલી સવારના ભાગે અકસ્માત થયો હતો.