રિશભ પંત ટેકા વિના સીડી ચડી ગયો
રિશભ પંતે સોશિયલ મીડિયાના સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કોઈપણ ટેકા વિના સીડીઓ ઉપર ચાલતો જોવા મળી રહ્યો છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું, ‘ખરાબ નથી, મિત્ર રિશભ. સરળ વસ્તુઓ ક્યારેક મુશ્કેલ હોઈ શકે છે. હકિકતમાં રિશભ પંત દ્વારા શેર કરવામાં આવેલા વિડીયો બે વિડીયો છે. પહેલામાં તો રિશભ પંતને સીડીઓ ચડવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. પરંતુ બીજી વિડીયો ક્લિપમાં તે આરામથી સીડીઓ ચડી રહ્યો છે.
તેનો આ વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રિશભ પંતના આ વીડિયો પર તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેણે હાર્ટ ઈમોજી સાથે ‘My’ એટલે કે મારું લખ્યું છે. આ સિવાય સૂર્યકુમાર યાદવ અને રિશભ પંતની IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સે પણ વીડિયો પર કોમેન્ટ કરી છે.
શું પંત આ વર્ષે વર્લ્ડ કપ રમી શકશે?
ભારત 12 વર્ષ બાદ આઈસીસી વન-ડે વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ ઓક્ટોબરમાં શરૂ થશે. ભારતીય ટીમના દરેક ચાહકોના મનમાં હવે આ સવાલ ઉઠી રહ્યો છે કે શું રિશભ પંત વર્લ્ડ કપ પહેલા સ્વસ્થ થઈ શકશે? શું તે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ બનશે? પંત ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. પરંતુ તેને વર્લ્ડ કપ સુધી સંપૂર્ણ રીતે સ્વસ્થ થવું મુશ્કેલ લાગી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પંત આવતા વર્ષે જ ક્રિકેટમાં પરત ફરશે. જોકે, સ્ટાર વિકેટકીપર હાલમાં બેંગલુરુમાં NCA ખાતે તેની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે.