રિંકુએ ફટકાર્યા પાંચ છગ્ગા
KKR લગભગ હારી જવાની તૈયારીમાં હતું. છેલ્લા પાંચ બોલમાં જીતવા માટે 28 રનની જરૂર હતી. એવામાં રિંકુ સિંહે કમાલ કરી હતી. તેણે 5 બોલમાં 5 છગ્ગા ફટકારીને ટીમને મેચ જીતાડી દીધી. રિંકુએ આ કમાલ કરીને પોતાના નામનો ડંકો વગાડ્યો છે અને આ શાનદાર ઈનિંગ્સ પછી હવે લોકો તેને ઓળખવા લાગ્યા છે. રિંકુ સિંહે યશ દયાળની ઓવરમાં પાંચ છગ્ગા માર્યા હતા. તમે જાણો છે કે, યશ દયાળ કોણ છે અને રિંકુ સિંહ સાથે તેનું શું કનેક્શન છે?
કોણ છે યશ દયાળ?
IPL 2022ના મેગા ઓક્શનમાં ગુજરાત ટાઈટન્સે યુવા બોલર યશ દયાળને 3 કરોડ 20 લાખ રૂપિયાની મોટી રકમ ચૂકવીને ખરીદ્યો હતો. પહેલી સીઝનમાં યશે 9 મેચમાં 11 વિકેટ લઈને સૌને પ્રભાવિત કર્યા હતા. જે બાદ તેને બાંગ્લાદેશની ટૂરમાં ભારતીય સ્ક્વોડમાં સ્થાન મળ્યું હતું. નોંધનીય છે કે, IPL 2023ની અત્યાર સુધીની સફર યશ માટે સુખદ નથી રહી. યશ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજનો રહેવાસી છે. તે ઉત્તરપ્રદેશ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. તેના પિતા ચંદ્રપાલ પણ એક જમાનામાં ફાસ્ટ બોલર રહી ચૂક્યા છે.
રિંકુ અને યશ વચ્ચે ખાસ સંબંધ
રિંકુ સિંહ અને યશ દયાળ બંને ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉત્તરપ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. બંને ટીમમેટ છે. હાલમાં જ જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મોટી જીત હાંસલ કરી ત્યારે રિંકુ સિંહે જીતની ખુશી વ્યક્ત કરતી એક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ જ પોસ્ટ પર યશ દયાળે કોમેન્ટ કરી હતી અને રિંકુને મોટો ખેલાડી ગણાવ્યો હતો. રિંકુએ પણ તેના પર પ્રતિક્રિયા આપી હતી. સોશિયલ મીડિયા પર યશ અને રિંકુનું આ બોન્ડ જોઈને લાગે જ છે કે, તેમની વચ્ચે સારી મિત્રતા હશે.