વન-ડેમાં સૂર્યકુમારનો રેકોર્ડ થોડો નબળો રહ્યો છે. તેણે ફક્ત 12.28ની એવરેજથી 172 રન નોંધાવ્યા છે. તેણે છેલ્લે ફેબ્રુઆરી 2022માં વન-ડેમાં અડધી સદી ફટકારી હતી. જોકે, ટી20 ક્રિકેટમાં તેનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું હતું. હાલમાં વન-ડેમાં કંગાળ ફોર્મમાં હોવા છતાં પોન્ટિંગે કહ્યું છે કે ભારતે સૂર્યકુમારને ટીમમાં જાળવી રાખવો જોઈએ.
ઓસ્ટ્રેલિયાને બે વર્લ્ડ કપ જીતાડનારા પોન્ટિંગે જણાવ્યું હતું કે, પ્રત્યેક ખેલાડીની કારકિર્દીમાં આ પ્રકારનો તબક્કો આવતો હોય છે. હું ખાતરીપૂર્વક નથી કહી શકતો કે મેં ક્યારેય કોઈ ખેલાડીને આખી સીરિઝમાં સળંગ ત્રણ વખત પ્રથમ બોલ પર આઉટ થતાં જોયો છે. અમારી કારકિર્દીમાં પણ ખરાબ તબક્કા આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની કારકિર્દીમાં આવું થતું હોય છે.
ટી20 ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવ હાલમાં નંબર વનના સ્થાને છે. પોન્ટિંગે ઉમેર્યું હતું કે, તેના છેલ્લા 12-18 મહિના ઘણા અદ્દભૂત રહ્યા છે. તમામ લોકો જાણે છે કે સૂર્યકુમાર યાદવ વ્હાઈટ-બોલ ક્રિકેટમાં શું કરી શકે છે. મને લાગે છે કે ભારતે તેને ટીમમાં યથાવત રાખવો જોઈએ કેમ કે તે એક એવો ખેલાડી છે જે તમને વર્લ્ડ કપ જીતાડી શકે છે. તેનું પ્રદર્શન કદાચ અસાતત્યપૂર્ણ છે પરંતુ તે તમને મોટી મેચો જીતાડી શકે છે. જેવું એન્ડ્રુ સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા માટે કર્યું હતું. હું મેચ વિનર ખેલાડીને ટીમમાં સામેલ કરીશ અને મારા મતે સૂર્યકુમાર મેચ વિનર ખેલાડી છે.