વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઈંગ્લેન્ડમાં રમાવાની છે. રિકી પોન્ટિંગનું માનવું છે કે WTC ફાઈનલ માટે ઈંગ્લેન્ડની સ્થિતિ ભારતથી સંપૂર્ણપણે અલગ હશે. આથી તેને લાગે છે કે ટીમે ફાઈનલ માટે તેમની લાઇન અપમાં ફેરફાર કરવાનું વિચારવું જોઈએ. ઓપનર લોકેશ રાહુલ લાંબા સમયથી ફોર્મ માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ કારણે શુભમન ગિલને ઈન્દોર ટેસ્ટમાં તેના સ્થાને રમવાની તક મળી હતી. પોન્ટિંગે કહ્યું હતું કે ગિલ અને રાહુલ બંને જૂનમાં ઓવલ ખાતે યોજાનારી WTC ફાઈનલ માટે પ્લેઈંગ ઈલેવનનો ભાગ હોવા જોઈએ.
પોન્ટિંગે કહ્યું, ‘લોકેશ રાહુલને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ શુભમન ગિલને સામેલ કરવામાં આવ્યો હતો. આ બંને ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે અને તમે બંનેને એક જ ટીમમાં રાખી શકો છો. પોન્ટિંગનું કહેવું છે કે શુભમન ઈનિંગ્સની શરૂઆત કરી શકે છે. જ્યારે લોકેશ રાહુલ મિડલ ઓર્ડરમાં નીચે જઈ શકે છે કારણ કે તેને ઈંગ્લિશ કંડિશન્સમાં રમવાનો અનુભવ છે.
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગે તે પણ કહ્યું હતું કે, ભારતને મિડલ ઓર્ડરમાં રિષભ પંત જેવા પ્રભાવશાળી બેટ્સમેનની ખોટ પડશે, જેણે ઈંગ્લેન્ડમાં પણ સદી ફટકારી છે. રાહુલ વિકેટકીપર તરીકે વિકલ્પ બની શકે નહીં તેથી તેને શ્રેયસ ઐયરની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવી શકાય છે. નોંધનીય છે કે ઈન્દોરમાં રાહુલના સ્થાને શુભમન ગિલને તક આપવામાં આવી હતી. પરંતુ શુભમન ગિલ અપેક્ષા પ્રમાણે દેખાવ કરી શક્યો ન હતો. જ્યારે વિકેટકીપર બેટર રિશભ પંત હાલમાં ક્રિકેટથી દૂર છે. ગત વર્ષના અંતમાં પંતની કારનો ભયંકર અકસ્માત થયો હતો જેમાં તેનો જીવ માંડ-માંડ બચ્યો હતો. જોકે, તેની સર્જરી કરવામાં આવી હતી અને તે મેદાનમાં ક્યારે પાછો ફરશે તે કહી શકાય તેમ નથી.