પ્રત્યક્ષદર્શીએ જણાવ્યો આખો ઘટનાક્રમ
એક ટીમમાં સામેલ પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે ‘તમે ટીવીમાં જોયું કે કાઈલ માયર્સ અને કોહલી મેચ બાદ થોડા સુધી સાથે ચાલતા રહ્યા હતા. માયર્સે કોહલીને પૂછ્યું કે, તે તેને સતત ગાળો કેમ આપી રહ્યો હતો તો કોહલીએ કહ્યું કે તે (માયર્સ) તેને કેમ ઘૂરી રહ્યો હતો. આ પહેલા અમિત મિશ્રાએ અમ્પાયરને ફરિયાદ કરી હતી કે, કોહલી દસમા નંબરના બેટ્સમેન નવીનુલ હકને ગાળો આપી રહ્યો છે. સ્થિતિ ખરાબ થશે તેમ લાગતા ગૌતમે માયર્યને ત્યાંથી ખેંચી લીધો હતો અને વાત ન કરવા કહ્યું હતું. ત્યારે વિરાટ કંઈક બોલ્યો હતો. જે બાદ બંને વચ્ચે તીખી દલીલ થઈ હતી. ગૌતમે કોહલીને જે કહેવું હોય સ્પષ્ટ રીતે કહેવા કહ્યું હતું. તો વિરાટે કહ્યું હતું કે, ‘મેં તમને કંઈ કીધું નથી તો તમે કેમ વચ્ચે ઘુસી રહ્યા છો’. ગૌતમે કહ્યું હતું, ‘જો તે મારા ખેલાડીને કંઈ કહ્યું છે તો તેનો અર્થ એ થયો કે તે મારા પરિવારને ગાળ આપી છે’. તેના પર વિરાટે કહ્યું હતું ‘તો જાઓ તમે તમારા પરિવારને સંભાળો’. ગંભીરે કહ્યું હતું ‘હવે તું મને શીખવાડીશ’. જે બાદ બંનેને અલગ કર્યા હતા’.
ગંભીરને કોહલીના ફેન્સ સામે ઈશારો કરવો ભારે પડ્યો?

આ પહેલા 2013માં પણ આરસીબી અને કેકેઆરની મેચ દરમિયાન બંને સામસામે આવી ગયા હતા. તે સમયે કોહલી સ્ટાર તરીકે ઉભરી રહ્યો હતો અને ગંભીર કોલકાતાનો કેપ્ટન હતો. ગંભીર આજે પણ આક્રમક છે, તે લખનઉનો મેન્ટોર અથવા રિમોટ કંટ્રોલ કેપ્ટન છે. તો કોહલી આરસીબીનો ધુરંધર ખેલાડી છે, જ્યારે કાફ ડુ પ્લેસી કેપ્ટન છે. એક પૂર્વ ભારતીય ખેલાડીએ કહ્યું હતું કે ‘કોહલી અને ગંભીર વચ્ચેના સંબંધો પેચીદા છે. ગૌતમ ખરાબ વ્યક્તિ નથી પરંતુ તેની સામે પડવું ભારે છે. તેણે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટનું નામ લઈ રહેલા દર્શકો સામે જોઈને મોં પર આંગળી રાખવાનો ઈશારો નહોતો કરવો જોઈતો’
કોહલી અને ગંભીરને ફટકારાયો દંડ!

લડાઈ બાદ ભારે દંડ નાખવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. જે મુજબ વિરાટ કોહલીને 100 ટકા મેચ ફી એટલે કે 1.07 કરોડ રૂપિયા, ગૌતમ ગંભીરને 100 ટકા મેચ ફી એટલે કે 25 લાખ અને નવીન ઉલ હકને 50 ટકા મેચ ફી એટલે કે 1.79 લાખ રૂપિયા દંડ હતો. પરંતુ આ સત્ય નથી. તેમના પર મેચ ફીનો જે દંડ નાખવામાં આવ્યો છે તે બરાબર છે પરંતુ આંકડા સાચા નથી. બીજી વાત એ કે, દંડ ફ્રેન્ચાઈઝી ભરે છે ખેલાડી નહીં
બંને વચ્ચે સમાધાન કરાવશે રવિ શાસ્ત્રી

ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘હું બંને વચ્ચે સમાધાન કરાવવા માટે તૈયાર છું. આ પ્રકારના વિવાદ બંધ કેમેરામાં જ ઉકેલાય તો સારું રહેશે. મને લાગે છે કે, બે-ત્રણ દિવસમામ મામલો શાંત થઈ જશે. વિરાટ અને ગોતમ જ્યારે આ વિશે વિચારશે તો તેમને સમજાશે કે તેઓ આ સ્થિતિને સારી રીતે સંભાળી શક્યા નહોત. ગૌતમ એક ચેમ્પિયન ખેલાડી રહ્યો છે. ભારતને બે-બે વર્લ્ડ કપ જીતાડવામાં તેનું મોટું યોગદાન રહ્યું છે. વિરાટની વાત કરીએ તો તે આજના યુવાનો માટે આઈકોન અને સ્ટાર છે. એવું નથી કે, હવે બંનેનો સામનો નહીં થાય. આ લીગમાં હજી બંનેની ટીમ સામસામે રહેશે. તેથી, સારું એ જ રહેશે કે બંને સાથે બેસીને પરસ્પર મતભેદને ખતમ કરે’.