રવિન્દ્ર જાડેજાના પંચ સામે ઓસ્ટ્રેલિયન બેટર્સ ધરાશાયી
ભારતીય બોલર્સનું પ્રદર્શન ઘણું જ દમદાર રહ્યું હતું. ટોસ જીત્યા બાદ ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજાની જોડી ઓપનિંગમાં આી હતી. જોકે, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીએ બંનેને સસ્તામાં પેવેલિયન ભેગા કરીને ટીમને અદ્દભુત શરૂઆત અપાવી હતી. સિરાજે પોતાની પ્રથમ ઓવરના પ્રથમ બોલ પર જ ખ્વાજાને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. જ્યારે ત્યારપછી શમીએ ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર ડેવિડ વોર્નરને બોલ્ડ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. બંને બેટર્સ એક-એક રન નોંધાવીને આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયાએ બે રનના સ્કોર પર પોતાના બંને ઓપનર્સ ગુમાવી દીધા હતા.
ઉપરા-ઉપરી બે ઝાટકા લાગ્યા બાદ માર્નસ લાબુશેન અને અનુભવી બેટર સ્ટિવ સ્મિથે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આ જોડીએ ભારતીય બોલર્સ સામે ધીરજપૂર્વક અને મક્કમતાથી બેટિંગ કરી હતી. જોકે, ત્યારબાદ રવિન્દ્ર જાડેજાની સ્પિન બોલિંગની કમાલ જોવા મળી હતી. તેણે આ બંને સેટ થઈ ગયેલા બેટર્સને પેવેલિયન ભેગા કરીને ભારતને મજબૂત સ્થિતિમાં મૂકી દીધું હતું. લાબુશેન 49 અને સ્મિથ 37 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે રેનશો ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
લાબુશેન અને સ્મિથ બાદ પીટર હેન્ડસ્કોબ અને એલેક્સ કેરીની જોડીએ લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, જાડેજા અને રવિચંદ્રન અશ્વિને આ જોડીને નિષ્ફળ બનાવી હતી. હેન્ડસ્કોબ 31 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે અશ્વિને એલેક્સ કેરીને અંગત 36 રનના સ્કોર પર બોલ્ડ કર્યો હતો. બાદમાં પેટ કમિન્સ છ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. જ્યારે મર્ફી અને બોલેન્ડ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. અશ્વિને બોલેન્ડને બોલ્ડ કરતા જ ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવનો અંત આવ્યો હતો. ભારત માટે જાડેજાએ 22 ઓવરમાં 47 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. શમી અને સિરાજે એક-એક વિકેટ પોતાના નામે કરી હતી.