અંતિમ ટી20માં વરસાદનું વિઘ્ન નડ્યું હતું પરંતુ વેસ્ટ ઈન્ડિઝે બે ઓવર બાકી રહેતા જીત મેળવી હતી. રાહુલ દ્રવિડે કહ્યું છે કે અમે અહીં જે ટીમને મેદાનમાં ઉતારી હતી તેણે અમને ટીમ કોમ્બિનેશન બદલવાની આઝાદી આપી ન હતી. પરંતુ હું માનું છું કે એવા કેટલાક ક્ષેત્રો છે જેમાં અમે વધુ સારું કરી શકીએ છીએ. દ્રવિડે કહ્યું હતું કે, બેટિંગમાં ઊંડાણ લાવવું એ એક એવું પાસુ છે જેના પર અમે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ પરંતુ તે ચોક્કસપણે એક ક્ષેત્ર છે જેમાં અમે સુધારાનો અવકાશ જોઈ રહ્યા છીએ. અમે અમારી બોલિંગને નબળી ન પાડી શકીએ પરંતુ અમારે સુનિશ્ચિત કરવું પડશે કે અમારી બેટિંગમાં થોડી ઊંડાઈ આવે અને લોઅર ઓર્ડર વધારે મજબૂત બને.
તેનાથી વિપરીત વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓલરાઉન્ડરોથી ભરેલી હતી અને અલ્ઝારી જોસેફ 11માં નંબર પર બેટિંગ કરી રહ્યો હતો. દ્રવિડે કહ્યું હતું કે, આ ફોર્મેટમાં સ્કોર વધુને વધુ મોટા થઈ રહ્યા છે. જો તમે વેસ્ટ ઈન્ડિઝની ટીમ પર નજર નાખો તો અલ્ઝારી જોસેફ 11માં નંબર પર આવે છે અને તે લાંબી હિટ ફટકારી શકે છે. એટલા માટે એવી ઘણી ટીમો છે જે બેટિંગમાં ઊંડાણ ધરાવે છે.
દ્રવિડે કહ્યું કહ્યું હતું કે, નિશ્ચિતપણે આ મામલે અમારી પાસે કેટલાક પડકારો છે અને અમારે તેના પર કામ કરવાની જરૂર છે. આ શ્રેણી દ્વારા અમને શીખવા મળ્યું છે કે અમારે અમારી લોઅર ઓર્ડર બેટિંગને મજબૂત કરવી પડશે. તિલક વર્મા, યશસ્વી જયસ્વાલ અને મુકેશ કુમારે આ શ્રેણીદ્વારા તેમની આંતરરાષ્ટ્રીય ટી20 કારકિર્દીનો પ્રારંભ કર્યો છે અને દ્રવિડ ત્રણેયના પ્રદર્શનથી પ્રભાવિત છે. દ્રવિડે કહ્યું હતું કે, હું માનું છું કે ત્રણેય નવોદિત ખેલાડીઓએ તેમની ફરજ સારી રીતે નિભાવી છે. યશસ્વી જયસ્વાલે ચોથી મેચમાં શાનદાર ઈનિંગ્સ રમી હતી. તેણે દેખાડી દીધું છે કે તેણે IPLમાં જે કર્યું તે જ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાવર્તન કરી શકે છે.
મુખ્ય કોચે આગળ જણાવ્યું હતું કે, તિલક વર્માએ મિડલ ઓર્ડરમાં ખરેખર સારું પ્રદર્શન કર્યું. તેણે કેટલાક પ્રસંગો પર મુશ્કેલ પરિસ્થિતિઓમાં બેટિંગ કરી પરંતુ તેણે મક્કમતાપૂર્વક સકારાત્મક બેટિંગ કરી હતી. મુકેશે આ પ્રવાસમાં તમામ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું અને મને લાગે છે કે તે ખૂબ જ સારી રીતે એડજસ્ટ થઈ ગયો છે.
હવે એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા ધ્યાન વન-ડે ક્રિકેટ પર રહેશે તેમ જણાવતા દ્રવિડે સંકેત આપ્યો હતો કે જસપ્રિત બુમરાહ, લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યર સહિત ઈજાગ્રસ્ત ખેલાડીઓ સાજા થઈ રહ્યા છે. દ્રવિડે કહ્યું હતું કે, અમારા કેટલાક ખેલાડીઓ ઈજામાંથી સાજા થઈને પુનરાગમન કરી રહ્યા છે. અમારે તેમને એશિયા કપમાં તક આપવી પડશે. એશિયા કપ માટે અમારો એક સપ્તાહનો કેમ્પ બેંગલુરુમાં 23 ઓગસ્ટથી શરૂ થશે.