પૃથ્વી શોની ફરિયાદ પર ઓશિવરા પોલીસે કુલ 8 લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 143, 148 149, 384, 437, 504 અને 506 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આ આરોપીઓમાં સના ઉર્ફે સપના ગિલના વકીલે સામે આવીને પોતાના પક્ષકારની વાત રજૂ કરી છે. અલી કાસિફ ખાને મીડિયામાં એક વિડીયો જારી કરીને કહ્યું છે કે મારામારી સપનાએ નહીં પરંતુ પૃથ્વી શોએ કરી હતી. વકીલનું કહેવું છે કે તેમની અસીલ સપનાને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવી હતી અને તેને મેડિકલ માટે પણ મોકલવામાં આવી ન હતી. એટલું જ નહીં સપનાએ એક તસ્વીર પણ જારી કરી છે જેમાં તે પૃથ્વી પર બચકુ ભરવાનો આરોપ લગાવી રહી છે.
વાયરલ થયેલા વિડીયોમાં છે ઘણી વાતો
સોશિયલ મીડિયામાં તે રાતના ઘણા વિડીયો વાયરલ થયા છે જેમાં છોકરીના હાથમાં બેઝબોલ બેટ છે અને પૃથ્વી શો પોતાનો બચાવ કરતો જોવા મળી રહ્યો છે. આરોપી યુવક અને યુવતી દારૂના નશામાં લાગી રહ્યા છે. ઝઘડા વખતે યુવતી લથ્થડીયા ખાતી જોવા મળે છે. યુવકો પણ નશામાં હોય તેવું લાગી રહ્યું છે. એક વિડીયોમાં આરોપી યુવક તે કહેતા સાંભળવા મળે છે કે પૃથ્વી શોએ તેને ફેંટ મારી અને ફોન છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. એક વિડીયોમાં આરોપી સના ક્રિકેટર પૃથ્વી શોની ગાડીનો પીછો કરતી અને પોતાના મિત્રોને ફોન પર ઝઘડા માટે બોલવતી હોય તેવું સાંભળવા મળે છે.
પરંતુ શું છે સત્ય?
બંને પક્ષોએ પોતાની વાત રજૂ કરી છે. આમ તો આ ઘટના 15 ફેબ્રુઆરીની રાતની છે. જ્યાં ક્રિકેટર પૃથ્વી શો પોતાના મિત્રો સાથે એક હોટલમાં પાર્ટી કરી રહ્યો હતો. આ દરમિયાન પૃથ્વી શો સાથે સેલ્ફી લેવા અંગે વિવાદ શરૂ થયો હતો. થોડી સેલ્ફી બાદ પૃથ્વી શોએ વધારે તસ્વીરો માટે ના પાડી દીધી હતી. ત્યારે વિવાદ શરૂ થયો હતો પરંતુ વાત આગળ વધે તે પહેલા મેનેજરે ફ્રેન્સ ગ્રુપને રેસ્ટોરાંની બહાર કાઢી મૂકયું હતું. આ વાત બાદમાં મારામારી સુધી પહોંચી હતી. થોડા સમય બાદ બેઝબોલ બેટ વડે પૃથ્વી શોની કાર પર હુમલો કરવામાં આવ્યો.