તોફાની શરૂઆત બાદ દિલ્હી કેપિટલ્સનો થયો ધબડકો
168 રનના લક્ષ્યાંકના જવાબમાં દિલ્હી કેપિટલ્સની શરૂઆત ધમાકેદાર રહી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર અને ફિલિપ સોલ્ટની ઓપનિંગ જોડીએ 6.2 ઓવરમાં 69 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, આ સ્કોર પર સોલ્ટ આઉટ થયા બાદ ટીમનો ધબડકો થયો હતો. મિચેલ માર્શ ત્રણ, રિલી સોરો પાંચ અને અક્ષર પટેલ એક રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે મનીષ પાંડે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ટીમ માટે કેપ્ટન વોર્નરે 27 બોલમાં આક્રમક અંદાજમાં બેટિંગ કરતાં 54 રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં 10 ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. પંજાબ માટે હરપ્રીત બ્રારે ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે નાથન એલિસ અને રાહુલ ચહરને બે-બે સફળતા મળી હતી.
ઓપનર પ્રભસિમરનની લાજવાબ સદી
દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોકે, પંજાબના બેટર્સનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. પરંતુ ઓપનર પ્રભસિમરનની બેટિંગ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. તેણે આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી અને આઈપીએલમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. પંજાબે 167 રન નોંધાવ્યા હતા જેમાંથી 103 રન તો પ્રભસિમરનના હતા. તેણે 65 બોલમાં 10 ચોગ્ગા અને છ સિક્સરની મદદથી 103 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે સેમ કરને 20 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન શિખર ધવન સાત, લિવિંગસ્ટોન ચાર અને જિતેષ શર્મા પાંચ રન નોંધાવીને આઉટ થયા હતા. દિલ્હી માટે ઈશાન્ત શર્માએ બે વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલ, પ્રવીણ દૂબે, કુલદીપ યાદવ અને મુકેશ કુમારને એક-એક સફળતા મળી હતી.