હેતમાયર અને ધ્રુવ જુરેલની આક્રમક બેટિંગ એળે ગઈ
198 રનના સ્કોરને પાર પાડવા મેદાનમાં ઉતરેલી રાજસ્થાન રોયલ્સ માટે યશસ્વી જયસ્વાલ અને રવિચંદ્રન અશ્વિનની જોડી ઓપનિંગમાં આવી હતી. પરંતુ તેઓ ટીમને અપેક્ષા પ્રમાણે શરૂઆત અપાવી શક્યા ન હતા. અશ્વિન ખાતું પણ ખોલાવી શક્યો ન હતો જ્યારે યશસ્વી જયસ્વાલ 11 રન નોંધાવીને આઉટ થયો હતો. જોસ બટલર પણ 19 રન જ નોંધાવી શક્યો હતો. આમ 57 રનના સ્કોર પર રાજસ્થાન રોયલ્સની ટીમે તેના ટોચના ત્રણ બેટર ગુમાવી દીધા હતા. કેપ્ટન સંજૂ સેમસને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એક છેડો જાળવી રાખ્યો હતો પરંતુ નાથન એલિસે તેની લડતનો અંત આણ્યો હતો. સંજૂ સેમસન 25 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 42 રન નોંધાવીને આઉટ થયો હતો.
જ્યારે દેવદત્ત પડીક્કલ 21 અને રિયાન પરાગ 20 રન નોંધાવીને નાથન એલિસના શિકાર બન્યા હતા. નાથન એલિસે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે અર્શદીપ સિંહે બે વિકેટ પોતાના નામે કરી હતી. જોકે, શિમરોન હેતમાયર અને ધ્રુવ જુરેલે તોફાની અંદાજમાં બેટિંગ કરીની ટીમને વિજયની નજીક લાવી દીધી હતી. એક સમયે રાજસ્થાન રોયલ્સ જીતી જશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ તેમની લડત એળે ગઈ હતી. હેતમાયરે 18 બોલમાં 36 રન ફટકાર્યા હતા જ્યારે ધ્રુવે 15 બોલમાં અણનમ 32 રન નોંધાવ્યા હતા. પંજાબ માટે નાથન એલિસે ચાર તથા અર્શદીપ સિંહે બે વિકેટ ઝડપી હતી.
શિખર ધવન અને પ્રભસિમરનની આક્રમક અડધી સદી, પંજાબનો મોટો સ્કોર
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જેનો પંજાબની ઓપનિંગ જોડીએ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. પ્રભસિમરન અને કેપ્ટન શિખર ધવનની જોડીએ તાબડતોબ અંદાજમાં બેટિંગ કરી હતી. બંનેએ રાજસ્થાનના બોલર્સની ધોલાઈ કરી હતી અને મોટા સ્કોરનો પાયો નાંખ્યો હતો. આ જોડીએ 9.4 ઓવરમાં 90 રનની ભાગીદારી નોંધાવી હતી. બંને બેટર અડધી સદી ફટકારવામાં સફળ રહ્યા હતા. પ્રભસિમરન 34 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 60 રન નોંધાવીને આઉટ થયો હતો.
જોકે, કેપ્ટન ધવન અંત સુધી નોટઆઉટ રહ્યો હતો. તેણે 86 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. શિખર ધવને પોતાની 56 બોલની ઈનિંગ્સમાં નવ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી. જ્યારે ભાનુકા રાજપક્સા એક રન નોંધાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. સિકંદર રઝા પણ એક રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. વિકેટકીપર જિતેશ શરમાએ 16 બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 27 રન ફટકાર્યા હતા. જ્યારે શાહરૂખ ખાને 11 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન માટે જેસન હોલ્ડરે બે તથા અશ્વિન અને ચહલે એક-એક વિકેટ ઝડપી હતી.