આન્દ્રે રસેલે એક ઓવરમાં બાજી પલટી, કોલકાતાને વિજય અપાવ્યો
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 180 રનનો લક્ષ્યાંક હતો. એક સમયે કોલકાતા હારી જવાની અણી પર આવી ગયું હતું. ટીમને બે ઓવરમાં 26 રનની જરૂર હતી. ત્યારે સેમ કરને કરેલી 19મી ઓવરમાં આન્દ્રે રસેલે ત્રણ સિક્સર ફટકારીને મેચની બાજી પલટી દીધી હતી. તેણે કોલકાતાને વિજય અપાવ્યો હતો. તેણે 23 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 42 રનની તાબડતોબ ઈનિંગ્સ રમી હતી. અંતિમ ઓવરમાં ટીમને છ રનની જરૂર હતી ત્યારે આન્દ્રે રસેલ આઉટ થઈ ગયો હતો. જોકે, રિંકુ સિંહે અંતિમ બોલમાં ચોગ્ગો ફટકારીને ટીમને જીતાડી દીધી હતી.
આ પહેલા કેપ્ટન નિતિશ રાણાએ શાનદાર બટિંગ કરી હતી. તેણે 38 બોલમાં છ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 51 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ઓપનર જેસન રોયે 24 બોલમાં 38 અને ગુરબાઝે 15 રનનું યોગદાન આપ્યું હતું. રિંકુ સિંહ 10 બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 21 રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. પંજાબ માટે રાહુલ ચહરે બે વિકેટ ઝડપી હતી જ્યારે નાથન એલિસ અને હરપ્રીત બ્રારે એક-એક વિકેટ પોતાના નામે કરી હતી.
શિખર ધવનની અડધી સદી, એક ઓવરમાં શાહરૂખ ખાને મચાવ્યું તોફાન
પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર પ્રભસિમરન 12 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે ભાનુકા રાજપક્સા ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થયો હતો. જોકે, કેપ્ટન શિખર ધવને શાનદાર બેટિંગ કરી હતી. તેણે 47 બોલમાં નવ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 57 રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત લિયામ લિવિંગસ્ટોને 15 તથા જિતેષ શર્માએ 21 રનનું યોગદાન આપ્યું હતું. સેમ કરન ફક્ત ચાર રન નોંધાવી શક્યો હતો.
જોકે, અંતિમ ઓવર્સમાં હરપ્રીત બ્રાર અને શાહરૂખ ખાને તોફાની અંદાજમાં બેટિંગ કરી હતી જેના કારણે ટીમનો સ્કોર વધારે મજબૂત બન્યો હતો. હરપ્રીતે નવ બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સરની મદદથી અણનમ 17 રન નોંધાવ્યા હતા. જ્યારે શાહરૂખ ખાને આઠ બોલમાં અણનમ 21 રન ફટકાર્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. કોલકાતા માટે વરૂણ ચક્રવર્તીએ ત્રણ તથા હર્ષિત રાણાએ બે વિકેટ ઝડપી હતી. જ્યારે સુયશ શર્મા અને નિતિશ રાણાએ એક-એક વિકેટ ઝડપી હતી.