એક અંગ્રેજ પત્રકારે પહેલા કમિન્સને પૂછ્યું હતું કે, શું તે ક્રિકેટની ભાવનામાં વિશ્વાસ રાખે છે, જેના જવાબમાં તેણે હા કહ્યું હતું. ત્યારપછી તેને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, શું તેની ટીમ પાંચમા દિવસે જોની બેરસ્ટોના વિવાદાસ્પદ આઉટ થયા પછી જીતવા માટે અંડરઆર્મ બોલિંગ કે માંકડ (નોન-સ્ટ્રાઈકર છેડે બોલર દ્વારા કરવામાં આવતો રનઆઉટ)નો આશરો લેશે. ઓસ્ટ્રેલિયાના કપ્તાન કમિન્સે આ સવાલનો જવાબ આપ્યો હતો કે, તે તેના પર નિર્ભર કરશે કે વિકેટ કેટલી સપાટ છે અને તે વિકલ્પ તેઓ પસંદ કરે છે! કમિન્સે કહ્યું હતું કે તે રમતના કાયદામાં છે અને યોગ્ય પણ છે.
શું છે સમગ્ર મામલો?
ઈંગ્લેન્ડનો વિકેટકીપર બેટર બેરસ્ટો મેચના અંતિમ દિવસે વિવાદનું કેન્દ્ર બની ગયો હતો. બેરસ્ટો 52મી ઓવરમાં કેમેરોન ગ્રીનની બોલને ડક કર્યા બાદ ક્રિઝની બહાર નીકળી ગયો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયાના વિકેટ-કીપર એલેક્સ કેરીએ સ્ટમ્પ પર સીધો થ્રો માર્યો હતો અને ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. જેનાથી બેરસ્ટો ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. થર્ડ અમ્પાયરની મદદ લેવામાં આવી હતી અને તેણે બેયરસ્ટોને આઉટ આપ્યો હતો. જેના કારણે મેદાન પર હાજર ઈંગ્લેન્ડના ચાહકો નારાજ થઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 43 રને જીતી લીધી હતી. ચાહકો અને ટીકાકારો બેરસ્ટોને જે રીતે આઉટ કરવામાં આવ્યા હતા તેના પર અલગ-અલગ મત ધરાવે છે. મેચ પૂરી થયા બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું હતું કે મેચ જીતવા માટે તે આ પ્રકારે આઉટ કરશે નહીં.