બીજા દાવમાં પાકિસ્તાની બેટર્સ નિષ્ફળ રહ્યા
ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન બંને ટીમોએ પ્રથમ દાવમાં મોટા સ્કોર નોંધાવ્યા હતા. જોકે, બીજા દાવમાં પાકિસ્તાનના બેટર્સ નિષ્ફળ રહ્યા હતા. 343 રનના લક્ષ્યાંક સામે હોમ ટીમના બેટર્સે લડત આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. બીજા દાવમાં પાકિસ્તાન માટે સાઉદ શકીલે સૌથી વધુ 76 રન ફટકાર્યા હતા. જ્યારે ઈમામ-ઉલ-હકે 48 અને વિકેટકીપર બેટર મોહમ્મદ રિઝવાને 46 રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત અઝહર અલીએ 40 તથા આઘા સલમાને 30 રનનું યોગદાન આપ્યું હતું. સ્ટાર બેટર અને સુકાની બાબર આઝમ ચાર રન જ નોંધાવી શક્યો હતો. ઈંગ્લેન્ડ માટે ઓલી રોબિન્સન અને જેમ્સ એન્ડરસને ચાર-ચાર વિકેટ ખેરવી હતી. જ્યારે બેન સ્ટોક્સ અને જેક લીચને એક-એક સફળતા મળી હતી.
પ્રથમ દિવસે જ 500થી વધુ રનના સ્કોરનો રેકોર્ડ
રાવલપિંડી ટેસ્ટના પ્રથમ દિવસે જ ઈંગ્લેન્ડે 500થી વધુ રનનો સ્કોર નોંધાવી દીધો હતો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં કોઈ ટીમે ટેસ્ટના પ્રથમ દિવસે જ 500 કે તેથી વધુ સ્કોર નોંધાવ્યો હોય તેવું પ્રથમ વખત બન્યું હતું. જ્યારે પ્રથમ દિવસે જ ઈંગ્લેન્ડના ચાર બેટર્સે સદી ફટકારી હતી. ઓપનર ઝેક ક્રાઉલીએ 122, ડકેટે 107, ઓલી પોપે 108 અને હેરી બ્રૂકે 153 રનની ઈનિંગ્સ રમી હતી. પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડે 657 રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. જ્યારે સાત વિકેટે 264 રનના સ્કોરે તેણે બીજો દાવ ડિક્લેર કર્યો હતો. બીજી તરફ પાકિસ્તાને પ્રથમ દાવમાં 579 રનનો સ્કોર ખડક્યો હતો. જેમાં શફિકે 114, ઈમામ ઉલ હકે 121 અને સુકાની બાબર આઝમે 136 રનની ઈનિંગ્સ રમી હતી.