પ્રથમ દિવસે જ ચાર બેટર્સે ફટકારી સદી
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડ માટે પ્રથમ દિવસે જ ચાર બેટર્સે સદી ફટકારી હતી. ઓપનર ઝેક ક્રાઉલી, બેન ડકેટ, વિકેટકીપર બેટર ઓલી પોપ અને હેરી બ્રુકે સદી ફટકારી હતી. ક્રાઉલીએ 111 બોલમાં 21 ચોગ્ગાની મદદથી 122 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે બેન ડકેટે 110 બોલમાં 15 ચોગ્ગા સાથે 107 રન ફટકાર્યા હતા. ઓલી પોપે 14 ચોગ્ગા સાથે 104 બોલમાં 108 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે હેરી બ્રુક સૌથી વધારે આક્રમક રહ્યો હતો. તેણે 81 બોલમાં 14 ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 101 રન ફટકાર્યા હતા અને તે દિવસના અંતે રમતમાં છે. જો રૂટ 23 રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે સુકાની બેન સ્ટોક્સ 34 રને રમતમાં છે.
પ્રથમ સેશનમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ
ઈંગ્લેન્ડે ટેસ્ટમાં પ્રથમ સેશનમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. પાકિસ્તાન સામે પ્રથમ દિવસે પ્રથમ સેશનમાં ઈંગ્લેન્ડની ઝેક ક્રાઉલી અને બેન ડકેટની ઓપનિંગ જોડીએ વિના વિકેટે 174 રન ફટકાર્યા હતા. લંચ બ્રેક સુધી ક્રાઉલી 91 રન અને ડકેટ 77 રને રમતમાં હતા. આ સાથે ઈંગ્લેન્ડે ભારતના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. ભારતે અફઘાનિસ્તાને પ્રથમ સેશનમાં 27 ઓવર્સમાં 158 રન ફટકાર્યા હતા.
ટેસ્ટમાં પ્રથમ દિવસે 500 રન ફટકારવાનો રેકોર્ડ
ઈંગ્લેન્ડે ચાર બેટર્સની સદીની મદદથી પ્રથમ દિવસના અંતે 75 ઓવર્સમાં 6.75ની સરેરાશ સાથે 506 રન ફટકાર્યા હતા. આટલો સ્કોર નોંધાવીને ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. આજથી પહેલા કોઈ ટીમ ટેસ્ટના પ્રથમ દિવસે 500 રનનો આંકડો સ્પર્શી શકી ન હતી. ઓસ્ટ્રેલિયાએ 9 ડિસેમ્બર 1910ના રોજ સિડનીમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ છ વિકેટે 494 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
પાંચમી વખત ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસમાં બન્યા 500 રન
ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસમાં સૌથી વધુ રન નોંધાવવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે છે. ઈંગ્લેન્ડે ભારત વિરુદ્ધ 25 જુલાઈ 1936ના રોજ છ વિકેટે 588 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ઈંગ્લેન્ડે આ સ્કોર મેચના બીજા દિવસે નોંધાવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આ એક દિવસમાં નોંધાયેલો સૌથી વધુ સ્કોર છે. અત્યાર સુધી ટેસ્ટમાં ફક્ત પાંચ વખત એવું બન્યું છે જ્યારે એક દિવમાં 500 કે તેથી વધુ રનનો સ્કોર નોંધાયો છે. ઈંગ્લેન્ડે 28 જૂન 1924ના રોજ સાઉથ આફ્રિકા વિરુદ્ધ બે વિકેટે 522 તથા શ્રીલંકાએ 21 જુલાઈ 2002ના રોજ બાંગ્લાદેશ સામે 9 વિકેટે 509 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકા સામે 17 ઓગસ્ટ 1935ના રોજ સાઉથ આફ્રિકા સામે 8 વિકેટે 508 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આ તમામ સ્કોર બીજા દિવસે નોંધાયો હતો.